– કતારને યુદ્ધ વિરામ સાથે સબંધિત તમામ શરતો જણાવી દીધી છે: ઈસ્માઈલ હાનિયે
નવી દિલ્હી, તા. 21 નવેમ્બર 2023, મંગળવાર : ઈઝરાયેલ અને હમાસ વચ્ચે બંધકોને મુક્ત કરવાની ડીલ અંતિમ પડાવમાં ચાલી રહી છે.બંધકોની મુક્તિ અંગે હમાસના પોલિટિકલ લીડર ઈસ્માઈલ હાનિયેએ એક ભાષણમાં કહ્યું કે, ઈઝરાયેલ-હમાસ યુદ્ધ હવે યુદ્ધ-વિરામ નજીક પહોંચી ચૂક્યુ છે.હાનિયેએ કહ્યું કે, તેમણે કતારને યુદ્ધ વિરામ સાથે સબંધિત તમામ શરતો જણાવી દીધી છે.થોડા કલાકોમાં તેની માહિતી આવી જશે.માનવીય યુદ્ધ વિરામના બદલે બંધકોની મુક્તિ અંગે તમામ નિર્ણયો લેવાય ચૂક્યા છે અને થોડા સમયમાં જ તેની સંપૂર્ણ માહિતી પણ મળી જશે.
રેડ ક્રોસ થયુ એક્ટિવ
બંધકોની મુક્તિ માટે સહાયતા કરવા માટે રેડ ક્રોસની ઈન્ટરનેશનલ કમિટીના અધ્યક્ષ મિરજાના સ્પોલ્જારિકે પણ ઈસ્માઈલ હાનિયે સાથે મુલાકાત કરી હતી.આ ઉપરાંત તેમણે કતારના અધિકારીઓ સાથે પણ અલગથી મુલાકાત કરી હતી.
જો બાઈડને આપ્યો હતો સંકેત
બંધકોની મુક્તિ માટે છેલ્લા 2 દિવસથી ચર્ચા ચાલી રહી છે.શરૂઆતમાં અમેરિકન અધિકારીઓએ બંધકોને મુક્ત કરવાની ડીલ અંગે ઈનકાર કરી દીધો હતો પરંતુ સોમવારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને એ વાતની પુષ્ટિ કરી હતી કે, બંધકોની મુક્તિ અંગેની ડીલ પૂર્ણ થવા નજીક પહોંચી ચૂકી છે.જો કે, રવિવારે ઈઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આ ડીલને લઈને કહ્યું હતું કે, આ કરારને અંગે મીડિયામાં ખોટા અહેવાલો ચાલી રહ્યા છે.