રોમ,તા. ૧૧ : સ્પેનિશ ટેનિસ સ્ટાર નડાલે અમેરિકાના આઈસનર સામે સીધા સેટોમાં ૬-૩, ૬-૧થી વિજય મેળવીને ઈટાલીયન ઓપનની પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. હવે તેનો મુકાબલો કેનેડાના શાપોવાલોવ સામે થશે.નડાલનો અગાઉ મેડ્રિડ ઓપનની ક્વાર્ટર ફાઈનલમાં અલકારાઝ સામે પરાજય થયો હતો.
ક્લે કોર્ટ પર શરૃ થયેલી ઈટાલીયન ઓપનમાં ચોથો સીડ ધરાવતા ગ્રીસના સિત્સિપાસે ૬-૩, ૫-૭, ૭-૬ (૭-૪)થી બલ્ગેરિયાના ડિમિટ્રોવને પરાજીત કર્યો હતો. ઓસ્ટ્રેલિયાના ડે મિનાઉરે અમેરિકાના પોલ સામે ૭-૫ ,૬-૪થી જીત હાંસલ કરી હતી.હવે તે પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં જર્મનીના ઝ્વેરેવ સામે ટકરાશે.ઝ્વેરેવે આર્જેન્ટીનાના બાઈઝને ૭-૬ (૮-૬), ૬-૩થી પરાજીત કર્યો હતો.
સર્બિયાના બિનક્રમાંકિત ક્રાજીનોવિચે અપસેટ સર્જતાં રશિયાના છઠ્ઠો ક્રમાંક ધરાવતા રુબ્લેવ સામે ૬-૨ ,૬-૪થી જીત હાંસલ કરી હતી.અમેરિકાના જીરોને ૬-૧ ,૭-૬ (૭-૪)થી આર્જેન્ટીનાના સ્વાર્ટ્ઝમાનને અને અમેરિકાના બૂ્રક્સબાયે ૬-૦, ૭-૬ (૭-૧)થી બેલ્જીયમના ગોફિન સામે જીત હાંસલ કરી હતી.