ઈન્દૌર, તા. 07 મે 2022, શનિવાર : ઈન્દૌરમાં શુક્રવારે મોડી રાત્રે એક મોટો અકસ્માત થયો હતો.વિજય નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 3 માળની બિલ્ડીંગમાં આગ લાગી હતી.આગ એટલી ગંભીર હતી કે 7 લોકો જીવતા સળગીને મૃત્યુ પામ્યા હતા જ્યારે 9 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા.તમામ ઘાયલોને MY હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.હાલ આગ લાગવાના કારણ અંગે કોઈ સ્પષ્ટ માહિતી પ્રાપ્ત થઈ નથી.આ ઘટના વિજય નગરના સ્વર્ણબાગ મહોલ્લાની છે.જણાવવામાં આવી રહ્યું છે કે, મોડી રાત્રે અચાનક બિલ્ડીંગમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો જ્યાં સુધી લોકો કંઈ સમજી શકે ત્યાં સુધી આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.આગ અંગે સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી.ઘટનાસ્થળે પહોંચેલા ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું.બિલ્ડિંગની અંદર હાજર 7 લોકો જીવતા સળગીને મૃત્યુ પામ્યા હતા.
આગની માહિતી મળતાં જ ઘટનાસ્થળે પહોંચેલા અધિકારીઓએ આગ લાગવાનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.હાલ પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ જણાવવામાં આવી રહ્યું છે.બીજી તરફ આગની જાણ થતાં આસપાસના મકાનો અને ઈમારતોમાંથી લોકો બહાર નીકળી રોડ પર આવી ગયા હતા.જોકે આગના કારણે આસપાસના મકાનો કે ઈમારતોને કોઈ નુકસાન થયાના સમાચાર નથી.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, મૃત્યુ પામેલા મોટાભાગના લોકો ભાડૂઆત હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, ફાયર બ્રિગેડને માહિતી મળતાં જ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને 3 કલાકની મહેનત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો. પોલીસ અને ફાયર ફાઈટર ઈમારતની અંદર પહોંચ્યા ત્યારે તેમને 5 લોકોના મોત નીપજ્યા હતા જ્યારે 5 ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
હોસ્પિટલમાં સારવાર દરમિયાન 2 દાઝી ગયેલા લોકોના મોત થયા હતા.પોલીસના જણાવ્યા અનુસાર મૃતકોમાં મોટાભાગના ભાડુઆત છે.હાલ મૃતકોની ઓળખ કરવાના પ્રયત્નો ચાલુ છે.ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે ઈલેક્ટ્રિક મીટરમાં શોર્ટ સર્કિટ બાદ આગ લાગી હતી.શોર્ટ સર્કિટથી આગ લાગ્યા બાદ નીચે પાર્ક કરેલા વાહનોમાં આગ લાગી હતી. આ કારણે વિકરાળ સ્વરૂપ ધારણ કરીને બિલ્ડિંગને લપેટમાં લીધું હતું.