નવી દિલ્હી,
દેશની બીજા ક્રમની સૌથી મોટી આઈટી કંપની ઈન્ફોસીસે સોમવારે તેના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યા હતા.કંપનીનો નેટ પ્રોફિટ 6.3 ટકા વધીને ~4335 કરોડ થયો હતો.ગયા વર્ષે આ ગાળામાં કંપનીનો નેટ પ્રોફિટ ~4078 કરોડ હતો. ઈન્ફોસીસની આવક માર્ચના ક્વાર્ટરમાં 8 ટકા વધીને ~23,267 કરોડ થઈ હતી,જે ગત વર્ષે આ ગાળામાં ~21,539 કરોડ હતી.કંપનીએ કોરોનાને પગલે ઊભી થયેલી અનિશ્ચિતતાને કારણે નવા નાણાકીય વર્ષમાં રેવન્યૂ ગાઈડન્સ આપવાનું ટાળ્યું હતું.કંપનીએ આ સાથે શેરદીઠ ~9.50 ડિવિડન્ડ જાહેર કર્યું છે.કંપનીએ આ સાથે જ કર્મચારીઓના પ્રમોશન સ્થગિત કરી દીધા છે અને પગારવધારા પણ સ્થગિત કરી દીધા છે.તેણે જે નવી ભરતીનું વચન આપ્યું હતું તે પૂરું કરશે તેમ તેણે કહ્યું હતું.
ઈન્ફોસીસે કહ્યું હતું કે કોરોના વાયરસને પગલે અનિશ્ચિતતાની જે સ્થિતિ ઊભી થઈ છે તેને કારણે કંપની હાલના તબક્કે 2020-21 માટે રેવન્યૂ ગાઈડન્સ અને માર્જિન ગાઈડન્સ આપી શકે તેમ નથી.સ્થિતિ સ્પષ્ટ થશે પછી તે ગાઈડન્સ જાહેર કરશે.ઈન્ફોસીસના સીઈઓ અને એમડી સલીલ પારેખે કહ્યું હતું કે કંપનીએ વર્તમાન સ્થિતિમાં સોમવારે 93 ટકા રિમોટ વર્કિંગ કામગીરી કરી હતી અને ક્લાયન્ટ્સને સર્વિસ પૂરી પાડી હતી.તેમણે કહ્યું કે નજીકનો સમયગાળો પડકારજનક છે પરંતુ આગળ જતા પાર્ટનર્સ સાથે હાઈ ક્વોલિટી અને મજબૂત સર્વિસ પૂરી પાડીને તે વધારે મજબૂત બનીને ઊભરશે. ઈન્ફોસીસના સીઓઓ પ્રવીણ રાવે કહ્યું હતું કે કોરોનાની અસરને કારણે ઓપરેટિંગ મોડેલ ખાસ્સું બગડ્યું છે અને કંપનીઓના બિઝનેસ પ્લાન પર ગંભીર અસર થઈ છે.ગત સપ્તાહે દેશની સૌથી મોટી આઇટી કંપની ટીસીએસે પરિણામ જાહેર કર્યા હતા,જેમાં તેનો નફો સાધારણ ઘટીને ~8049 કરોડનો થયો હતો જે આગલા વર્ષના સમાન ગાળામાં ~8,126 કરોડ હતો.