ઈસ્લામાબાદ, તા. 25 માર્ચ 2022, શુક્રવાર : પાકિસ્તાનમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે વડાપ્રધાન ઈમરાન ખાનની સરકાર સામે આજે એટલે કે, 25 માર્ચના રોજ જે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ થવાનો હતો તે હવે 3 દિવસ માટે ટાળી દેવાયો છે.એક સાંસદનું મૃત્યુ થવાના કારણે સ્પીકર અસદ કૈસરે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવાની તારીખ 28 માર્ચ (સોમવાર) કરી દીધી છે.એમ કહેવામાં આવ્યું છે કે,ઈમરાન સરકાર સામેના આ પ્રસ્તાવ પર આગામી સપ્તાહે જ વોટિંગ થઈ શકશે.
આ બધા વચ્ચે ઈમરાન ખાન બહુમત સાબિત કરે તે પહેલા સાથી પાર્ટીઓને મનાવવાના તેમના પ્રયત્નો નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે.નેશનલ અસેમ્બલીમાં પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફની સહયોગી પાર્ટી મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ-પાકિસ્તાન (MQM-P)એ પણ વિપક્ષનો સાથ આપવાનો નિર્ણય લીધો છે.પાર્ટીના કહેવા પ્રમાણે તેઓ ઈમરાન ખાનને વડાપ્રધાન પદેથી હટાવવા માટે વિપક્ષી દળોના ગઠબંધનને સહયોગ આપશે.
MQM-Pએ હાલ સત્તાધીશ PTIની સૌથી મોટી સહયોગી પાર્ટી છે.નેશનલ અસેમ્બલીમાં તેના પાસે 7 સાંસદો છે.ઘણાં લાંબા સમયથી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાજ (PML-N) અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ-પાકિસ્તાનને તોડવાના પ્રયત્નમાં હતા.જોકે છેક હવે PPP અને MQM વચ્ચે સમજૂતી થઈ છે.
PPPના મહાસચિવ ફરહાતુલ્લા બાબરે જણાવ્યું કે, MQM સાથે વાતચીત બાદ સમગ્ર મુદ્દા પર સમજૂતી થઈ ગઈ છે.શક્ય છે કે,ઈમરાન સરકારના કેટલાક મંત્રી પણ વિપક્ષનો સાથ આપે.રિપોર્ટ્સ પ્રમાણે MQM-Pએ ઈમરાન સરકાર ભાંગી પડ્યા બાદ પોતાના માટે મંત્રીપદોની માગણી રાખી છે.