ગુજરાત, તા. 13 સપ્ટેમ્બર 2022, મંગળવાર : ગુજરાત પોલીસ કેડરના IPS સતીશ વર્માને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં CBI તપાસનું નેતૃત્વ કરનારા જાણીતા IPS અધિકારી સતીશ વર્માને નિવૃતિના માત્ર એક મહિના પહેલા જ સેવામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.તેઓ 30 સપ્ટેમ્બરના રોજ નિવૃત થવાના હતા.સરકારે 30 ઓગષ્ટના રોજ તેમને વિભાગીય કાર્યવાહી સબંધિત વિવિધ આધારો પર સેવામાંથી સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો.
સતીષ વર્માને સસ્પેન્ડ કરવાના કારણોમાં એક કારણ એ પણ અપાયું છે કે, તેમણે મીડિયા સમક્ષ કેટલીક બાબતો રજૂ કરીને દેશના આંતરરાષ્ટ્રીય સંબંધોને હાનિ પહોંચાડી છે.જોકે, આ મામલે સતીષ વર્મા કે, પછી ગુજરાત સરકાર દ્વારા સત્તાવાર રીતે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં નથી આવી.
IPS સતીશ વર્માને સસ્પેન્ડ કરવામાં આવતા IPS બેડા સહિત પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો છે.સસ્પેન્ડનો આદેશ દિલ્હી હાઈકોર્ટ સમક્ષ મૂક્યો હતો જ્યાં વર્માએ તેમની સામેની અનેક શિસ્તભંગની કાર્યવાહીને પડકારી હતી.કેન્દ્ર સરકારે 1 સપ્ટેમ્બરથી સસ્પેન્ડના આદેશના અમલીકરણની માંગ કરતી અરજી દાખલ કરી હતી.લગભગ એક વર્ષ સુધી,વર્માને હાઈકોર્ટ દ્વારા રક્ષણ આપવામાં આવ્યું હતું.જેણે સરકારને નિર્દેશ આપ્યો હતો કે તેની શિસ્તની કાર્યવાહી અવરોધાત્મક પગલાં નહીં લેશે.
ઈશરત જહા એન્કાઉન્ટર ફેક હતું તેવો રિપોર્ટ સતીષ વર્માએ આપ્યો હતો.તેમની આગેવાનીમાં ગુજરાત હાઈકોર્ટે SITની રચના કરી હતી.ત્યારબાદ તેમણે કોર્ટના ઓર્ડર પર CBI તપાસની પણ આગેવાની લીધી હતી.બીજી તરફ સતીષ વર્મા સામે વિવિધ વિભાગીય તપાસ ચાલી રહી હોવાનું કહી તેમને પ્રમોશનથી પણ વંચિત રાખવામાં આવ્યા હતા.સતીષ વર્માએ ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં પીપી પાંડે,ડીજી વણઝારા,જીએલ સિંઘલ જેવા IPS તેમજ એનકે અમિન,તરુણ બારોટ જેવા પોલીસ અધિકારીઓની ધરપકડમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી.પાછળથી આ કેસમાં એક પછી એક તમામ આરોપીઓને ડિસ્ચાર્જ કરી દેવાયા હતા અને CBIને તેમની સામે કેસ ચલાવવાની મંજૂરી પણ નહોતી મળી.