ઈ-કોમર્સ ક્ષેત્રની વૈશ્વિક અમેરિકન કંપની એમેઝોનના વકીલો પર ભારતીય અધિકારીઓને લાંચ આપવાનો આરોપ લાગ્યો છે. ‘ધ મોર્નિંગ કોન્ટેક્સ્ટ’ નામની વેબસાઈટે કંપનીનાં આંતરિક સૂત્રોના હવાલાથી આ સમાચાર આપ્યા છે.આ અહેવાલો પછી તુરંત કાર્યવાહી કરતા એમેઝોને આંતરિક તપાસ પણ શરૂ કરી દીધી છે.
સૂત્રોના જણાવ્યાનુસાર એમેઝોને પોતાના એક વરિષ્ઠ લીગલ અધિકારી રાહુલ સુંદરમને આ જ આરોપોને લઈને રજા પર મોકલી દીધા છે.આ ઘટસ્ફોટ કરનારી વેબસાઈટે સુંદરમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમણે વાત કરવાનો ઈનકાર કરી દીધો.બીજી તરફ, એમેઝોનના પ્રવક્તાએ કહ્યું કે ‘અમે ભ્રષ્ટાચાર બિલકુલ સહન નથી કરતા.એટલે અમે આ આરોપોને ગંભીરતાથી લીધા છે.
અમે તપાસ શરૂ કરી દીધી છે, જેના આધારે યોગ્ય કાર્યવાહી કરાશે.’ આ મુદ્દે સૌથી પહેલાં એક વ્હિસલબ્લોઅરે એમેઝોનમાં ઉચ્ચ સ્તરે ફરિયાદ કરી હતી ત્યાર પછી આ મામલો સામે આવ્યો હતો.આ ઘટનાક્રમ સાથે જોડાયેલી એક વ્યક્તિએ નામ નહીં છાપવાની શરતે કહ્યું કે અમેરિકન કંપનીઓ આ રીતે ફરિયાદોને ગંભીરતાથી લે છે.કારણ કે, આ પ્રકારની ઘટનાઓ ફોરેન કરપ્ટ પ્રેક્ટિસ એક્ટની વિરુદ્ધ છે.આ અમેરિકન કાયદો પોતાની કંપનીઓ અને તેના કર્મચારીઓને કોઈ પણ વિદેશી સરકારી અધિકારીઓને લાંચ આપતા રોકે છે.
એમેઝોન ભારતમાં કાયદા નિષ્ણાતો પાછળ રૂપિયા 20 કરોડ ખર્ચે છે
એમેઝોન ભારતમાં વિવિધ કાયદાકીય ગૂંચ ઉકેલવા માટે કાયદાકીય નિષ્ણાતો પાછળ વર્ષે રૂ. 20 કરોડનો જંગી ખર્ચ કરે છે. આ માટે કંપની કેટલીક લીગલ ફર્મ અથવા સ્વતંત્ર કાયદાકીય નિષ્ણાતોની નિયમિત સેવા લે છે.
સરકાર સાથે અનેક મુદ્દે એમેઝોનને ઘર્ષણ
ભારત સરકાર સાથે છેલ્લાં કેટલાંક વર્ષોથી એમેઝોનને અનેક મુદ્દે ઘર્ષણ થઈ રહ્યું છે. તેની વિરુદ્ધ કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા અને ઈડીએ પણ તપાસ શરૂ કરી છે.એમેઝોન પર આરોપ છે કે તે ઈ-કોમર્સની સ્વસ્થ પ્રતિસ્પર્ધા,સ્થાપિત માપદંડો અને સરકારની નીતિઓનું સતત ઉલ્લંઘન કરી રહી છે.


