સુરત : રવિવાર : સુરતના ઉગત કેનાલ રોડ પર અમદાવાદી તવા ફ્રાય નામની હોટલમાં સુતેલા માલિક અને તેના કારીગરોને માર મારી આંખમાં મરચાની ભુક્કી નાંખી ચપ્પુની અણીએ બાનમાં લઇ રોકડા રૂ.45 હજાર અને પર્સ વિગેરે લૂંટીને ત્રણ લૂંટારૂ ભાગી ગયા હતા.ઉગત કેનાલ રોડ પર સંત તુકારામ સોસાયટી જલારામ મંદિરની પાછળ આવેલા અમદાવાદી તવા ફ્રાય નામની હોટલમાં ગત વહેલી સવારે બાઇક પર ત્રણ લૂંટારૂ ત્રાટકયા હતા.લૂંટારૂએ દુકાનનું શટર ખોલી અંદર પ્રવેશતા અંદર સુતેલા હોટલનો માલિક નોમાન જમીલ અખ્તર શેખ(ઉ.વ.27)અને તેના બે કારીગરો જાગી ગયા હતા.લૂંટારૂએ હોટલમાં રહેતા માલિક અને તેના કારીગરોને માર મારી આંખમાં મરચાની ભુક્કી નાંખી ચપ્પુની અણીએ બાનમાં લઇ કેશ કાઉન્ટરમાંથી રોકડા રૂ.45 હજાર અને નોમાનનું પર્સ કે જેમાં એક્સિસ બેંક,પંજાબ નેશનલ બેંક અને એસબીઆઇ બેંકના એટીએમ કાર્ડ ઉુપરાંત આધારકાર્ડ અને પાનકાર્ડ તથા ડ્રાઇવીંગ લાયસન્સ હતું તે લૂંટીને ભાગી ગયા હતા.ઘટના અંગે નોમાને કંટ્રોલ રૂમમાં જાણ કરતા તુરંત જ રાંદેર પોલીસ ઘસી આવી હતી.પોલીસે લૂંટનો ગુનો નોંધી લૂંટારૂઓની શોધખોળ હાથ ધરી છે.