– મતદારોને લલચાવવા દારૂ વહેંચાયો હોવાની ચર્ચા પાંચથી વધુ ગામોમાં લઠ્ઠો પીવાથી 12થી વધુ લોકો બીમાર,સ્થિતિ ગંભીર હોવાથી મૃત્યુઆંક વધી શકે છે
આઝમગઢ : ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આઝમગઢમાં એક વખત ફરી લઠ્ઠાકાંડ સામે આવ્યો છે.આ વિસ્તારમાં લઠ્ઠો પીવાને કારણે નવ લોકોના મોત નિપજ્યા હતા.જ્યારે એક ડઝનથી વધુ લોકો બીમાર પડી ગયા છે.
સરકારનો દાવો છે કે પાંચ લોકોના મોત નિપજ્યા છે જ્યારે સૃથાનિકોનું કહેવું છે કે કુલ નવ લોકોના લઠ્ઠાકાંડમાં મોત નિપજ્યા છે.ચૂંટણી સમયે દારૂ આપીને મતદારોને લલચાવવા તે પણ આ લઠ્ઠાકાંડમાં એક કારણ હોવાની ચર્ચા છે.
આઝમગઢમાં અડધો ડઝનથી વધુ ગામોમાં લઠ્ઠો પીવાને કારણે લોકો બીમાર પડયા હતા જ્યારે નવ લોકોના મોત થયા હોવાનું સૃથાનિકોનું કહેવું છે.જેને પગલે આ ગામડાઓમાં માતમનો માહોલ જોવા મળી રહ્યો છે.એવા અહેવાલો છે કે આ વિસ્તારના માહુલ સિૃથત દેસી દારૂની દુકાન પરથી જે દારૂ વેચવામાં આવ્યો હતો તેને પિવાથી જ આ મોત નિપજ્યા હોવાના દાવા થઇ રહ્યા છે.
12થી વધુ લોકોની સિૃથતિ અત્યંત કથળી છે અને હાલ તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.એવા અહેવાલો છે કે સૃથાનિક સ્તરે પણ ચૂંટણી યોજાઇ રહી હતી તે સમયે જ મતદારોને લલચાવવા દારૂ વહેચવામાં આવ્યો હોઇ શકે છે.
આ લઠ્ઠાકાંડના વિરોધમાં મૃતકોના પરિવારજનો દ્વારા રોડ જામ કરવામાં આવ્યો હતો અને જવાબદાર લોકોની સામે કાર્યવાહી કરવાની માગ કરાઇ હતી.આ લઠ્ઠાકાંડ એવા સમયે સામે આવ્યો છે જ્યારે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે અને ત્રણ તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયું છે જ્યારે હવે ચોથા તબક્કાના મતદાનની તૈયારી ચાલી રહી છે.