નવી દિલ્હી, તા. 14 માર્ચ 2022 સોમવાર : દેશની અગ્રણી FMCG કંપનીઓ હિન્દુસ્તાન યુનીલીવર અને નેસ્લેએ સોમવારથી અમલમાં આવે એ રીતે ચા,કોફી,દૂધ અને નુડલ્સના ભાવમાં વધારાની જાહેરાત કરી છે.
હિદુસ્તાન યુનીલીવ્રે આજે જાહેર કરેલા ભાવમાં બ્રુ કોફીના ભાવમાં વિવિધ પેકેટ પ્રમાણે ત્રણથી સાત ટકાનો ભાવ વધાર્યો છે.બ્રુ ગોલ્ડ કોફીના ભાવ ત્રણથી ચાર ટકા જયારે ઈન્સ્ટન્ટ કોફીના પાઉચના ભાવ ત્રણથી સાત ટકા વધાર્યા છે.કંપનીની તાજ મહાલ ચાના ભાવમાં પણ 3.7 ટકાથી 5.8 ટકા વધારો થયો હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.બ્રુક બોન્ડ ચાના ભાવમાં દોઢ ટકાથી 14 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
દરમિયાન,મેગી નુડલ્સના ભાવમાં નેસ્લેએ નવથી સોળ ટકાના વધારાની જાહેરાત કરી છે.નેસ્લેએ પણ પોતાની કોફી,દૂધના પાવડરના ભાવમાં વધારો કર્યો છે.નેસ્લેની 70 ગ્રામ મેગીના પેક હવે રૂ.12ના બદલે રૂ.14, 140 ગ્રામના પેકમાં રૂ.3 અને 560 ગ્રામના પેકમાં રૂ.9નો વધારો કરવાની જાહેરાત કંપનીએ કરી છે.
નેસકેફે ક્લાસિક કોફી પાવડરના ભાવ હવેથી રૂ.78ના બદલે રૂ. 80 અને 50 ગ્રામ પેકના ભાવ રૂ.145થી વધારી રૂ.150 કરવામાં આવ્યા છે.આ ઉપરાંત,એવન મિલ્ક પાવડરના ભાવ પણ રૂ.75થી વધારી રૂ.78 કરવાની જાહેરાત ડીલર્સને કરવામાં આવી છે.