– ઉદ્ધવ ઠાકરેથી શિવસેનાનું નામ અને ચિહ્ન ગુમાવ્યા બાદ ઓફિસ પણ છીનવાઈ ગઈ
– ચૂંટણી પંચના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમકોર્ટે તાત્કાલિક સુનાવણીની પણ ના પાડી દીધી
ઉદ્ધવ ઠાકરેને સુપ્રીમકોર્ટે પણ આંચકો આપ્યો છે. પાર્ટીનું નામ શિવસેના અને તેનું ચૂંટણી ચિહ્ન તીર-કમાન છીનવીને એકનાથ શિંદે જૂથને આપવાના ચૂંટણીપંચના નિર્ણય વિરુદ્ધ તાત્કાલિક સુનાવણીથી ઈનકાર કરી દીધો છે.આ ઉપરાંત વિધાનસભામાં સ્થિત શિવસેનાની ઓફિસ પણ એકનાથ શિંદે જૂથને સોંપી દીધી છે.
સીએમ શિન્દેના સમર્થકોએ માગ કરી
એકનાથ શિંદેના સમર્થક ધારાસભ્યોએ સ્પીકર રાહુલ નાર્વેકર સાથે મુલાકાત કરીને આ અંગે માગણી કરી હતી.તેના પછી સ્પીકરે નિર્ણય લીધો હતો.આ રીતે શિવસેનાના હાથમાંથી વિધાનસભાની ઓફિસ પણ જતી રહી.આ ઉપરાંત સુપ્રીમકોર્ટે તાત્કાલિક સુનાવણીનો પણ ઈનકાર કરી દીધો હતો.
સુપ્રીમ કોર્ટે શું કહ્યું ?
સુપ્રીમકોર્ટે ઉદ્ધવ ઠાકરે જૂથના વકીલને કહ્યું કે આ મામલે તાત્કાલિક સુનાવણી ન થઇ શકે.બેન્ચે કહ્યું કે તમે કાલે અરજી દાખલ કરો પછી વિચારીશું.ચીફ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડે કહ્યું કે જે અરજી પર તાત્કાલિક સુનાવણીની માગ થઈ રહી હતી તે યાદીમાં મેન્શન નહોતી.એટલા માટે કાલે તેને લિસ્ટમાં મેન્શન કરવામાં આવે પછી સુનાવણી અંગે વિચાર કરાશે.આ દરમિયાન ઉદ્ધવ ઠાકરે જૂથની અરજીના જવાબમાં એકનાથ શિંદેએ કેવિયેટ પણ દાખલ કરી રાખી છે.શિંદે જૂથનું કહેવું છે કે તેમનો પક્ષ સાંભળ્યા વિના શિવસેનાનું નામ અને નિશાન અંગે કોઈ ચુકાદો ન આપવામાં આવે.