સુરત,તા.૨૩
ઉધના સેન્ટ્રલ રોડ પર મેક્સિકમ પ્લાઝા નામના કોમ્પ્લેક્ષ પાસેથી વ્હેલી સવારે મોપેડ પર જઇ રહેલા દંપતીને નિશાન બનાવી મોટરસાઇકલ સવાર સ્નેચરો સોનાનું મંગળસુત્ર અને મોબાઇલ ફોન મળી કુલ રૂા. ૫૨,૨૦૦ની મત્તા મુકેલું પર્સ આંચકીને ભાગી ગયા હતા.
અલથાણ ડી-માર્ટ નજીક શ્રૂંગલ હોમ્સમાં રહેતા અને સચીન જીઆઇડીસીની કલર ટેક્ષ કંપનીમાં નોકરી કરતા સંજય જ્યંતિલાલ પોલાની વડોદરા ખાતે રહેતી પરિણીત પુત્રી માનસીને ત્યાં જવા માટે પત્ની કાશ્મીરાને ઉધના રેલવે સ્ટેશન પર મુકવા માટે ગત રોજ વ્હેલી સવારે એક્ટિવા મોપેડ પર નીકળ્યા હતા.
દરમ્યાનમાં ઉધના સેન્ટ્રલ રોડ પર મેક્સિકમ પ્લાઝા નામના કોમ્પ્લેક્ષ પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે મોટરસાઇકલ પર બે સ્નેચરો ઘસી આવ્યા હતા. જે પૈકી પાછળ બેઠેલા સ્નેચરે કાશ્મીરાબેનના હાથમાંથી પર્સ આંચકી લીધું હતું અને મોટરસાઇકલ પુર ઝડપે હંકારીને ભાગી ગયા હતા. દંપતીએ બુમાબુમ કરી હતી પરંતુ વ્હેલી સવારનો સમય હોવાથી લોકોની અવરજવર નહિવત હતી જેથી સ્નેચરો બિન્દાસ્તપણે ભાગી જવામાં સફળ રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે કાશ્મીરાબેનના પર્સમાં સોનાનું મંગળસૂત્ર, એક મોબાઇલ ફોન અને રોકડા રૂા. ૧૨૦૦ મળી કુલ રૂા. ૫૨,૨૦૦ ની મત્તા હતી. ઘટના અંગે સંજય પોલાએ ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
ઉધના સેન્ટ્રલ રોડ પર મોપેડ સવાર દંપતીના હાથમાંથી પર્સ આંચકી સ્નેચરો ફરાર
Leave a Comment