ઉમરગામ : ઉમરગામના જાણીતા બિલ્ડર જીતુભાઈ મણિલાલ પટેલનું સોમવારે રાત્રિએ એક સફેદ ફોર્ચ્યુનર કાર અને સફેદ હોન્ડા સીટી કારમાં આવેલ 4 જેટલા અજાણ્યા ઈશમોએ હથિયારની અણીએ કાર સાથે અપહરણ કરી ગયા હતાં.બનાવના 24 કલાક પછી પણ પોલીસ હજુ સુધી આરોપી કે અપહ્ત બિલ્ડરની કડી મેળવી શકી નથી.ઉમરગામમાં અક્રામારુતિ સ્થિત સુંદરવન નજીક દયાળ પાર્ક બંગલામાં પરિવાર સાથે રહેતા 46 વર્ષના બિલ્ડર જીતુભાઈ મણીભાઈ પટેલ સોમવારની રાત્રે 9:40 કલાકે રાબેતા મુજબ મિત્રોને મળી ઘરે પરત થઈ રહ્યા હતા.
તે સમયે ઘરથી 200 મીટર નજીક મુખ્ય માર્ગ પર તેમની કારને સફેદ કલરની ફોર્ચ્યુનર કાર અને હોન્ડા સીટી કારમાં આવેલા બે ડ્રાઇવર સહિત અન્ય ચાર અજાણ્યા ઈસમોએ રોકી જીતુભાઈ પટેલને તેની ફોર્ચ્યુનર કાર નં. જીજે 15 સીજી 9117થી હથિયારની અણીએ પોતાની કારમાં બેસાડી અપહરણ કરી લઈ ગયા હતા.અપહરણના સ્થળે ચાલતી કન્સટ્રકશન સાઇટના સાગર રાજેશ સિંગને આ અંગે જાણ થતાં પરિવારને જાણ કરાઇ હતી.સાગર રાજેશ સીંગ. રહે આલાપ હાઇટ્સની ફરિયાદ લઇ પોલીસે તપાસ હાથ ધરી હતી.ઘટનાની ગંભીરતા જોતાં જિલ્લા એસપી અને ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ કરાતા રાત્રિના 3 વાગ્યે ડહેલીમાં સતલજ કંપની નજીક જીતુભાઈ પટેલની ફોર્ચ્યુનર કાર બિનવારસી મળી હતી.અપહરણ કરવા આવેલા ચાર ઈસમો પૈકી ત્રણ મજબૂત બાંધાના હતા.એક ઈસમે કાળી ચેક્સવાળો ગ્રે કલરનો શર્ટ તથા તેની સાથે નાઓએ સફેદ કલરના શર્ટ પહેરેલા હતાની જાણકારી પ્રાપ્ત થઇ હતી.
જીતુભાઈના બંગલો અને ઓફિસ દયાલ પાર્ક ખાતે ઉમરગામ સ્ટેશન મુખ્ય માર્ગને અડીને આવેલી છે.કેટલાક વ્યક્તિઓ તેમજ તેમના ઓફિસ સ્ટાફના જણાવ્યા મુજબ કેટલાક દિવસોથી ભિખારીના વેશમાં એક વ્યક્તિ ઓફિસની સામે ડીવાયડર ઉપર બેસી રહેતો હતો.જે એકાએક ગાયબ થઈ ગયો છે.આ વાત પોલીસને જાણવા મળતા એ દિશા તરફ પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
જીતુભાઈના પિતા મણિલાલ પટેલ મૂળ સૌરાષ્ટ્રના છે.જેઓ રામાયણ સિરિયલનું શૂટિંગ ચાલતું હતું.ત્યારે આર્ટ ડાયરેક્ટર તરીકે કામગીરી કરી હતી.હાલે નિવૃતિ જીવનમાં બંગલા નજીક મણિભાઈ પટેલ 15 વર્ષથી જરૂરમંદોને નિશુલ્ક ટિફિન સેવા આપે છે. જીતુભાઈ પટેલનું વિશાળ મિત્ર વર્તુળ છે.ક્યારે કોઈ વિવાદમાં પડતાં નથી એવા વ્યક્તિની અપકારણ કોણે અને શા માટે કર્યુ તેની હાલ અનેક ચર્ચા થઈ રહી છે.