દક્ષિણ ગુજરાતના સુરત,નર્મદા,નવસારી,ભરૂચ,વલસાડ,ડાંગ જિલ્લાઓમાં વરસાદ,સૌરાષ્ટ્રમાં પણ વરસાદ નોંધાયો,ભારે વરસાદના પગલે સામાન્ય જનજીવન પ્રભાવિત ગઈ કાલે દક્ષિણ ગુજરાતમાં મેઘો મુશળધાર વરસ્યો હતો.સુરત જિલ્લાના ઉમરપાડામાં છ કલાકમાં સાડાછ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જ્યારે બુધવારે રાત્રે વલસાડમાં છ ઇંચ વરસાદ પડતાં વલસાડ પાણી-પાણી થઈ ગયું હતું.ભારે વરસાદના પગલે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું હતું.ગુજરાતમાં ગઈ કાલે સાંજે ૬ વાગ્યા સુધીમાં ૭૭ તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ પડ્યો હતો.ગઈ કાલે દક્ષિણ ગુજરાતના સુરત,નર્મદા,નવસારી, ભરૂચ,વલસાડ,ડાંગ જિલ્લાઓમાં હળવોથી ભારે વરસાદ પડ્યો હતો.
સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં ૧૬૧ મિમી એટલે કે સાડાછ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં ૭૭ મિમી એટલે કે ત્રણ ઇંચથી વધુ,સુરત જિલ્લાના માંગરોળમાં ૭૧ મિમી એટલે કે ત્રણ ઇંચ જેટલો,સુરત જિલ્લાના કામરેજ અને નર્મદા જિલ્લાના સાગબારામાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ૪૬ મિમી એટલે કે બે ઇંચ જેટલો અને ખેડા જિલ્લાના નડિયાદમાં ૪૩ મિમી એટલે કે પોણાબે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.સુરત જિલ્લાના કામરેજમાં પડેલા વરસાદના કારણે નૅશનલ હાઈએ પાણી ભરાઈ જતાં ટ્રાફિક જૅમ થઈ ગયો હતો.


