– ભાજપ-સપા નેતાઓ ભાષણોમાં કૃષ્ણને વધુ યાદ કરવા લાગ્યા
– ભાજપ મથુરામાં અયોધ્યાની જેમ જ ભગવાન કૃષ્ણનું વિશાળ મંદિર બનાવવાની તૈયારીમાં, ઉપ મુખ્યમંત્રીના સંકેતો
– અખિલેશે કહ્યું હતું કે મારા સપનામાં કૃષ્ણ આવીને કહે છે કે ઉ. પ્રદેશમાં સમાજવાદી પાર્ટીની સરકાર બનશે
મથુરા : ઉત્તર પ્રદેશની ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે તેમ તેમ ભગવાન રામની ચર્ચાએ જોર પકડયું છે.એવામાં નેતાઓ હવે ભગવાન કૃષ્ણના નામનો ઉપયોગ પણ કરવા લાગ્યા છે.અયોધ્યામાં શ્રી રામના મંદિરની જેમ જ ભાજપ હવે મથુરામાં ભગવાન કૃષ્ણનું ભવ્ય મંદિર બનાવવાની તૈયારીમાં છે.જેના સંકેતો ઉત્તર પ્રદેશના ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ આપ્યા હતા.
મથુરાના કૃષ્ણ મંદિરનો વિવાદ પણ અયોધ્યાના મંદિર અને મસ્જિદ જેવો જ ચાલી રહ્યો છે.મથુરાના કૃષ્ણ મંદિરના પરિસરમાં જે મસ્જિદ આવેલી છે તેને હટાવવા માટે કેટલાક હિન્દૂ સંગઠનો કોર્ટમાં પણ અપીલ દાખલ કરી ચુક્યા છે.એટલુ જ નહીં આ મસ્જિદમાં કૃષ્ણની મૂર્તી સ્થાપિત કરી દેવાની ચીમકી પણ કેટલાક સંગઠનોએ આપી હતી જેથી મથુરામાં ૧૪૪ લાગુ કરવી પડી હતી.આ મસ્જિદ કૃષ્ણના જન્મસ્થાન પરિસરમાં જ આવેલુ છે.
હાલમાં જ ઉત્તર પ્રદેશના મંત્રી લક્ષ્મી નારાયણ ચૌધરીએ કહ્યું હતું કે જો મથુરામાં કૃષ્ણનું મંદિર નહીં બને તો શું લાહોરમાં બનશે? માત્ર ભાજપ જ નહીં સમાજવાદી પાર્ટીના નેતાઓ પણ ભગવાન કૃષ્ણના નામનો ઉલ્લેખ કરવા લાગ્યા છે.હાલમાં જ સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે કહ્યું હતું કે ભગવાન કૃષ્ણ મારા સપનામાં આવી રહ્યા છે.અને કહી રહ્યા છે કે ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીની જીત થશે અને તે સરકાર બનાવશે.જ્યારે બાદમાં અખિલેશ યાદવના આ દાવાને લઇને યોગી આદિત્યનાથે વળતો પ્રહાર કર્યો હતો અને કહ્યું હતું કે સમાજવાદી પાર્ટીની સરકાર હતી ત્યારે મથુરા માટે તેમણે કઇ જ નહોતુ કર્યું.આમ ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધી ભગવાન રામના નામે રાજનીતિ કરવામાં આવતી હતી હવે ભગવાન કૃષ્ણના નામે કરવામાં આવી રહી છે.