મુંબઈ : રિઝર્વ બેન્કે બેન્કોને આયાત અને નિકાસ ટ્રાન્ઝેક્શન ભારતીય રૂપિયા(કરન્સી)માં થાય તેવી વધારાની વ્યવસ્થા શરૂ કરવા બેન્કોને આદેશ કર્યો છે.આવી વ્યવસ્થા ગોઠવતા પહેલાં બેન્કોએ રિઝર્વ બેન્કના ફોરેન એક્સચેન્જ વિભાગ તરફથી જરૂરી મંજૂરી લેવાની રહેશે.આરબીઆઈએ આ અંગે સરક્યૂલર પણ બહાર પાડી દીધો છે.આરબીઆઈએ કહ્યું હતું કે વૈશ્વિક વ્યાપાર વધે તેને પ્રોત્સાહન આપવા અને રૂપી કરન્સીમાં વૈશ્વિક સ્તરે રસ વધી રહ્યો છે તેને પગલે આવી વ્યવસ્થા ગોઠવી રહી છે.રૂપિયાને વૈશ્વિક કરન્સી બનાવવાની દિશામાં આ પગલું મહત્વનું માનવામાં આવી રહ્યું છે.આરબીઆઈએ કહ્યું હતું કે ભારતમાંથી નિકાસ પર ભાર મૂકીને વૈશ્વિક વ્યાપાર વધે તે હેતુથી અને ભારતીય કરન્સી અંગે વૈશ્વિક સમુદાયમાં વધી રહેલી રુચિને ધ્યાનમાં રાખીને એવો નિર્ણય કરાયો છે કે એક્સપોર્ટ-ઈમ્પોર્ટના ઈન્વોઈસિંગ, પેમેન્ટ અને સેટલમેન્ટ ભારતીય કરન્સી-રૂપિયામાં કરાશે.
ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશન્સ(FIEO)એ કહ્યું હતું કે ફેમાની હાલની જોગવાઈ અનુસાર નેપાળ-ભુતાનને બાદ કરતા અન્ય દેશો સાથે વ્યાપાર ડીલમાં અંતિમ સેટલમેન્ટ ફોરેન એક્સચેન્જમાં કરવાનું રહે છે.પરંતુ હવે જો આરબીઆઈ મંજૂરી આપશે તો તમામ દેશોમાં ફાઈનલ સેટલમેન્ટ ભારતીય રૂપિયામાં થશે.આ રીતે એક્સપોર્ટ-ઈમ્પોર્ટ ટ્રેડ અને ટ્રાન્ઝેક્શન સેટલમેન્ટ રૂપિયામાં શક્ય બનશે.રિઝર્વ બેન્કના આ પગલાથી કેટલાક દેશો સાથે અમેરિકન ડોલરમાં ટ્રેડ પર નિયંત્રણો કે પ્રતિબંધો હોય તેવી સ્થિતિમાં પણ વ્યાપાર આગળ ધપી શકશે.ઉદાહરણ તરીકે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો તે પછીથી અનેક દેશોએ રશિયા પર પ્રતિબંધ મૂકી દીધો છે અને રશિયા ડોલર ટર્મમાં વધુ વેપાર કરે તેમ અમેરિકા ઈચ્છતું નથી.આથી ભારતીય કંપનીઓ રશિયન કોમોડિટીના નીચા ભાવનો લાભ લઈને વૈકલ્પિક પેમેન્ટ વ્યવસ્થા દ્વારા આયાત પર વિચાર કરી રહી છે.
આરબીઆઈએ સોમવારે કહ્યું હતું કે ઓથોરાઈઝ્ડ બેન્કોએ રૂપી કરન્સીમાં વૈશ્વિક વ્યાપારમાં સેટલમેન્ટ કરવા માટે આરબીઆઈની મંજૂરી લેવાની રહેશે.નવી સેટલમેન્ટ વ્યવસ્થા અંતર્ગત નિકાસ અને આયાત રૂપી કરન્સીમાં થશે અને તેના બિલ રૂપી કરન્સીમાં બનશે.જે બે દેશો વચ્ચે ટ્રેડ સેટલમેન્ટ થયું હશે તે બે દેશોના જે એક્સચેન્જ રેટ હશે તે લાગુ થશે અને તેના આધારે બિલ બનશે.આ ટ્રેડ ડીલના સેટલમેન્ટ માટે ભારતની જે બેન્કોને માન્યતા હશે તેમણે જે-તે પાર્ટનર ટ્રેડિંગ કન્ટ્રી (જે દેશમાં ડીલ કરવાનું હોય તેનું )સ્પેશ્યલ રૂપી વોલસ્ટ્રો એકાઉન્ટ્સ ખોલવાનું રહેશે.આ મિકેનિઝમનો ઉપયોગ કરનારા ભારતીય આયાતકારોએ રૂપી કરન્સીમાં પેમેન્ટ કરવાનું રહેશે.તે રકમ જે તે દેશની નિશ્ચિત બેન્કના સ્પેશ્યલ વોસ્ટ્રો એકાઉન્ટમાં જમા થશે.ભારતીય નિકાસકારોને પણ એ જ પ્રકારે જે-તે પાર્ટનર કન્ટ્રીની ચોક્કસ બેન્કના સ્પેશ્યલ વોસ્ટ્રો એકાઉન્ટમાં રહેલી બેલેન્સ રકમમાંથી રૂપી કરન્સીમાં ચૂકવણી થશે.


