અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હાલમાં એડવાન્સ ટેકસ રીબેટ યોજના ચાલી રહી છે.આ યોજના હેઠળ વધુ ૩૬ હજાર કરદાતાઓને મ્યુનિ.તંત્ર પત્ર લખી એડવાન્સ ટેકસ ભરી રીબેટ યોજનાનો લાભ લેવા અપીલ કરશે.આ પત્ર લખવાથી તંત્રને વધુ ૭૮ કરોડ આવક મળવાની સંભાવના છે.વધુ સંખ્યામાં કરદાતા આ સ્કીમ હેઠળ મિલકતવેરો ભરપાઈ કરે એ માટે શહેરમાં બેનર અને હોર્ડીંગ્સ લગાવવા તંત્ર તરફથી કવાયત શરુ કરાઈ છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત ત્રણ મહિના લાંબી ટેકસ ઈન્સેન્ટીવ રીબેટ યોજના અમલમાં મુકવામાં આવી છે.આ મહિનામાં ૨૧ જૂલાઈએ આ રીબેટ યોજના પુરી થવા જઈ રહી છે.રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલના કહેવા પ્રમાણે,ટેકસ ઈન્સેન્ટીવ સ્કીમ લાગૂ કરવામાં આવ્યા બાદ અત્યાર સુધીમાં મિલકતવેરા પેટે ૫૧૫ કરોડ જેટલી આવક થવા પામી છે.શહેરના વધુમાં વધુ કરદાતાઓને રીબેટ યોજનાનો લાભ મળે એ હેતુથી વધુ ૩૬ હજાર કરદાતાઓને પત્ર લખવામાં આવશે.કરદાતાઓને મિલકતવેરો ભરપાઈ કરવા અપીલ કરતા બેનરો અને હોર્ડીંગ્સ પણ લગાવાશે જેથી તેઓ આ યોજનાનો લાભ લઈ શકે.


