– પુણે નજીક ખડકવાસલામાં ભૂમિદળની 10,હવાઇદળની 6 તથા નૌકાદળની 3 એમ કુલ 19 જગ્યાઓ માટે 16-6થી 19 વર્ષની તરુણીઓને પ્રશિક્ષિત કરાશે
મુંબઇ : પુણેથી નજીકમાં આવેલા ખડકવાસલા ખાતેની નેશનલ ડીફેન્સ એકેડેમી (એનડીએ) આ વર્ષના જૂનથી મહિલા કેડેટોના પ્રથમ બેચ (જૂથ)ને તાલીમ આપવાની તૈયારીઓ કરી રહી છે અને આ તૈયારીઓના ભાગરૃપે તેણે મહિલા કેડેટોની લશ્કરમાં ભરતી માટેની પાત્રતાને ધ્યાનમાં રાખી તેમને કઇ અને કેવી તાલીમ આપવી તે વિશેનો નિર્ણય પર કર્યો છે.એમ સંરક્ષણ મંત્રાલયની એક અખબારી યાદીમાં જણાવાયું હતું.
લશ્કરની,ભૂમિદળ,હવાઇ દળ અને નૌકાદળ એમ ત્રણેય પાંખની તાલીમ માટેની આ પ્રતિષ્ઠિત સંસ્થા કુલ ૧૯ ખાલી જગ્યાઓ માટે મહિલા કેડેટના પ્રથમ બેચને એડમિશન આપશે.આ ૧૯ જગ્યામાં ભૂમિદળની દસ,હવાઇ દળ મ ાટેની છ તથા નૌકાદળની ત્રણ જગ્યાનો સમાવેશ થાય છે.આ જગ્યાઓ જે તે પાંખના વડા મથકે નક્કી કરેલી છે.
૧૬.૬થી ૧૯ વર્ષની મહિલાઓને પુરુષ કેડેટોની જેમ જ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી) એનડીએની લિખિત પરીક્ષા,સર્વિસિસ સીલેક્શન બોર્ડ (એસએસબી)ના ઇન્ટરવ્યુ તથા મેડિકલ તપાસમાં સફળ થયા બાદ ત્રણ વર્ષની લશ્કરી તાલીમ આપવામાં આવશે.
લશ્કરી તાલીમના હાલના અભ્યાસક્રમમાં નજીવા ફેરફાર કરવા સાથે એકેડોમિક્સ,ડ્રિલ આઉટડોર ટ્રેઇનિંગ જેવી તાલીમ પુરુષ/ મહિલા કેડેટનો ભેદભાવ કર્યા વગર એક સમાન રીતે આપવામાં આવશે.એમ આ યાદીમાં જણાવાયું હતું.અલબત્ત,સ્ત્રી- પુરુષની શારીરિક રચનાની ભિન્નતાને કારણે મહિલા કેડેટો માટેની ફિઝિકલ ટ્રેઇનિંગ (શારીરિક તાલીમ)ના કોર્સમાં કદાચ કેટલાક ફેરફારો કરવામાં આવે.મહિલા કેડેટોની તાલીમ માટે ખાસ સપોર્ટ સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવશે.


