મુંબઇ : નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોના અધિકારી હોવાનું જણાવી બોલીવૂડના એક ૩૫ વર્ષના આસીસ્ટન્ટ ડાયરેક્ટરનું અપહરણ કરી એક લાખ રૃપિયાની રકમ પડાવનાર ત્રણ જણની ડી.એન.નગર પોલીસે ધરપકડ કરી હતી.એનસીબીના બનાવટી અધિકારી બનીને આવેલા આ લોકોએ તેને ડ્રગ્સના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી આ રકમ પડાવી હતી.
પોલીસે આ પ્રકરણે દિપક વિલાસ જાધવ,પંકજકુમાર પાલ અને સચિન સંતોષ સિંહ નામના ત્રણ આરોપીને પકડી પાડયા હતા જ્યારે અન્ય ત્રક્ષણ આરોપીને પકડી પાડવા પ્રયત્નો આદર્યા છે.આ સંદર્ભે વધુ વિગતાનુસાર અંબોલીમાં રહેતા ફરિયાદી આસીસ્ટન ડાયરેક્ટરનું બે રિક્ષામાં આવેલા છ જણે અપહરણ કર્યું હતું.આ લોકો ફરિયાદીને જબરજસ્તી રિક્ષામાં બેસાડી રિક્ષાને જૂહુ-અંધેરી બ્રિજ પાસે લઇ ગયા હતા. અહીં આ લોકોએ તેમની ઓળખાણ એનસીબીના અધિકારી તરીકે આપી તે ડ્રગ્સ,નો પેડલર હોવાની ટીપ મળી હોવાનું કહ્યું હતું.
જ્યારે ફરિયાદીએ કહ્યું કે તે ડ્રગ્સ પેડલર નથી ત્યારે આ લોકોએ તેની મારપીટ કરી હતી અતેને છોડવા માટે પાંચ લાખની માગણી કરી હતી.જો તે આ રકમ નહી ભરે તો તેને ડ્રગ્સના કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપી હતી.ફરિયાદીએ પિતાને ફોન કરી આ રકમની વ્યવસ્થા કરવા વિનંતી કરતા આ લોકોએ ફરિયાદીની વાત તેના પિતા સતે કરવાની છુટ આપી હતી.આરોપીઓએ તેના પિતાને પણ ખૂબ ધમકાવ્યા હતા.ફરિયાદીના પિતાએ એક લાખ રૃપિયા ચૂકવ્યા બાદ બે કલાક બાદ ફરિયાદીને વધુ એક લાખ રૃપિયા આપવાની શરતે છોડયો હતો.આ ઘટના બાદ પિતા-પુત્રને શંકા જતા તેમણે પોલીસમાં ફરિયાદ કરી હતી.આ લોકો જ્યારે બીજા એક લાખ રૃપિયા લેવા આવ્યા ત્યારે પોલીસે ત્રણ આરોપીને પકડી પાડયા હતા.પોલીસે અન્ય ત્રણ આરોપીને પકડી પાડવાના પ્રયાસો આદરી આ પ્રકરણે વધુ તપાસ ચલાવી છે.