એન્ટિલિયા કેસ અને મનસુખ હત્યા કેસમાં નવા-નવા ખુલાસા થઈ રહ્યા છે.આજે મુંબઇના પૂર્વ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ અને શિવસેના નેતા પ્રદીપ શર્માના ઘરે એનઆઈએ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)એ પ્રદીપ શર્માને કસ્ટડીમાં લીધા છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રદીપ શર્મા લાંબા સમયથી એનઆઈએના રડાર પર હતા,પરંતુ તપાસ એજન્સી પાસે પ્રદીપ શર્મા સામે નક્કર પુરાવા નહોતા.હવે એનઆઈએને નક્કર પુરાવા મળ્યા છે.ત્યારબાદ મુંબઇના અંધેરીના જેપી નગર વિસ્તારમાં ભગવાન ભવન બિલ્ડિંગના છઠ્ઠા માળે આવેલા પ્રદીપ શર્માના નિવાસસ્થાન પર એનઆઈએની ટીમ ઇલેક્ટ્રોનિક ડિવાઇસની તપાસ કરી રહી છે.સાથે જ આ મામલે તેમની પૂછપરછ પણ કરી રહી છે.એનઆઈએની સાથે સીઆરપીએફની ટીમ પણ હાજર છે.
સચિન વાજે પર એન્ટિલિયા કેસના મુખ્ય સૂત્રધાર હોવાનો આરોપ છે. 15 માર્ચે રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)એ સસ્પેન્ડ પોલીસ અધિકારી સચિન વાજેની ધરપકડ કરી હતી અને લાંબી પૂછપરછ કરી હતી.જેમાં સચિન વાજેએ ઘણા ઘટસ્ફોટ કર્યા હતા.પૂર્વ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્મા અને સચિન વાજેની નિકટતા કોઈથી છુપાયેલી નથી.પ્રદીપ શર્મા પર ઘણા આરોપો લાગ્યા છે.આ સિવાય મનસુખ હિરેનની હત્યાના કેસમાં ધરપકડ કરાયેલા પૂર્વ કોન્સ્ટેબલ વિનાયક શિંદે પણ પ્રદીપ શર્માની નિકટ રહ્યા છે.તાજેતરમાં જ સંતોષ સેલર અને આનંદ જાધવની ધરપકડ કરવામાં આવી હતી.તેમાં પ્રદીપ શર્માનું નામ પણ સામે આવ્યું.કહેવામાં આવી રહ્યું છે કે, પ્રદીપ શર્માની સંતોષ સેલરની સાથે ગાઢ મિત્રતા હતી.
શું છે એન્ટિલિયા કેસ?
જણાવી દઈએ કે, 25 ફેબ્રુઆરીના રોજ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની બહારથી વિસ્ફોટક સામગ્રી ભરેલી એક સ્કોર્પિયો કાર મળી આવી હતી.જેમાંથી એક ધમકી લખેલો પત્ર પણ મળી આવ્યો હતો.આ મામલે વાહનના માલિક મનસુખ હિરેનની હત્યા થઇ ચૂકી છે.આ કેસની તપાસ એનઆઈએ દ્વારા કરવામાં આવી રહી છે.