ઉદ્યોગપતિ મૂકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયા નજીકથી મળેલી વિસ્ફોટકો ભરેલી સ્કોર્પિયોના કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)એ ધરપકડ કરેલા સસ્પેન્ડેડ એપીઆઇ સચિન વાઝેને પોલીસ દળમાંથી બરતરફ કરાયો હતો.
સચિન વાઝેને સેવામાંથી બરતરફ કરવાનો આદેશ મુંબઈના પોલીસ કમિશનર હેમંત નગરાળેએ આપ્યો હતો, એમ મુંબઈ પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું.એન્ટિલિયા નજીક વિસ્ફોટકોના કેસમાં એનઆઇએ દ્વારા 13 માર્ચે સચિન વાઝેની ધરપકડ કરાઇ હતી.મહારાષ્ટ્ર કેડરની 1990 બેચના ઓફિસર અને એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે જાણીતા વાઝેની ધરપકડ કરાયા બાદ તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.આ કેસમાં એપીઆઇ રિયાઝુદ્દીન કાઝી,પોલીસ ઇન્સ્પેક્ટર સુનીલ માને,સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ વિનાયક શિંદે અને ક્રિકેટ બૂકી નરેશ ગોરની પણ ધરપકડ કરાઇ હતી.હવે બંધારણની કલમ 311 (2) (બી) હેઠળ સચિન વાઝેને પોલીસ સેવામાંથી બરતરફ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
બોમ્બ બ્લાસ્ટ કેસના આરોપી ખ્વાજા યુનુસના કસ્ટડીમાં થયેલા મૃત્યુના કેસમાં સચિન વાઝે 16 વર્ષ સુધી સસ્પેન્ડ હતો.જોકે જૂન, 2020માં તેને ફરી સેવામાં લેવામાં આવ્યો હતો.દરમિયાન ક્રાઇમ ઇન્ટેલિજન્સ યુનિટ (સીઆઇયુ)માં ફરજ દરમિયાન વાઝેએ બોગસ ટીઆરપી (ટેલિવિઝન રેટિંગ પોઇન્ટસ) કેસ, ફેક સોશિયલ મીડિયા ફોલોઅર્સ કેસ, ડીસી કાર ફાઇનાન્સ સ્કેમ જેવા હાઇ-પ્રોફાઇલ કેસની તપાસ કરી હતી.

