નવી દિલ્હી,
દેશમાં એપ્રિલ મહિનામાં લોકડાઉનની સ્થિતિને કારણે મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિ મોટાભાગે ઠપ રહી હતી.માંગ ઘટી જતા અને સપ્લાય ચેઈન ડિસરપ્શન થઈ જતા નિક્કી મેન્યુફેક્ચરિંગ પરચેઝિંગ મેનેજર્સ ઈન્ડેક્સ (PMI) એપ્રિલ મહિનામાં ઘટીને માત્ર 27.4 થઈ ગયો હતો, જે માર્ચમાં 51.8 હતો.આઈએચએસ મર્કિટ દ્વારા આ ઈન્ડેક્સ માર્ચ 2005થી તૈયાર કરવાનું શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં એપ્રિલનો PMI સૌથી નીચો છે.
દેશમાં 25 માર્ચથી લોકડાઉનની સ્થિતિ છે.પીએમઆઈ છેલ્લાં ત્રણ વર્ષમાં પહેલી વાર 50ની નીચે સરક્યો છે.પીએમઆઈ 50ની નીચે સરકે તેનો અર્થ એ થાય કે અર્થતંત્રમાં મંદી આવી છે.મતલબ કે આર્થિક પ્રવૃત્તિમાં ઘટાડો થયો છે.રિપોર્ટ અનુસાર એપ્રિલમાં કંપનીઓનું ઉત્પાદન મોટાપાયે બંધ હતું,નવા ઓર્ડરમાં પણ ઘટાડો જોવાયો હતો. તેને કારણે માંગ ખાસ્સી ઘટી ગઈ હતી.અનેક દેશો કોરોનાના સંકટમાં ફસાયા હોવાથી નિકાસની માંગ પણ ઘટી ગઈ હતી.તેને કારણે નોકરીઓમાંથી મોટાપાયે છટણી જોવા મળી રહી છે.રો મટીરિયલના ભાવ અને ઉત્પાદન બન્નેમાં ઘટાડાને કારણે ફુગાવાનો દર ખાસ્સો નીચો રહેવાની ધારણા છે.તેને કારણે રિઝર્વ બેન્કે સમગ્ર વર્ષ માટે સરેરાશ 4 ટકાના ફુગાવાના દરનો જે અંદાજ મૂક્યો છે તેનાથી નીચે રહેવાની ધારણા છે.


