15મી માર્ચ, 2022 મંગળવાર નવી દિલ્હી : ભારતના સૌથી ધનાઢ્ય અને વિશ્વના સૌથી અમીર વ્યકતિઓમાંના એક સૌથી મોટી રિટેલર કંપનીના માલિક જેફ બેઝોસ વચ્ચે ફ્યુચર સમૂહને કારણે ચાલી રહેલ લડાઈ પૂર્ણ થવાનું નામ જ નથી લઈ રહી.એમાઝોને કોર્ટ સમક્ષ રિલાયન્સ અને અન્ય પક્ષકારો સામે સમાધાન પ્રસ્તાવ મુક્યા છતા પણ કોઈપણ પક્ષકાર એકબીજા સાથે સહમત નથી થયા.આ વાતની જાણકારી આજે કાઉન્સેલ દ્વારા સુપ્રિમ કોર્ટને આપવામાં આવી છે.
ફ્યુચર ગ્રૂપ અને એમેઝોન વચ્ચે તેમના વિવાદને સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલવા માટેની વાતચીત નિષ્ફળ રહી છે એમ સુપ્રીમ કોર્ટને આજે જણાવવામાં આવ્યું હતું આ વાટાઘાટો સોલિસિટર સ્તરે થઈ હતી અને શનિવારે સમાપ્ત થઈ હતી.જોકે અંતે બંને પક્ષકારો વચ્ચે વિવાદનું કોઈ નિરાકરણ આવ્યું નથી.પક્ષકારોએ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એનવી રમનાની આગેવાની હેઠળની સર્વોચ્ચ અદાલતની બેન્ચને આ અંગેની જાણ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે મહિનાની શરૂઆતમાં એમેઝોને આ મુદ્દાના શાંતિથી ઉકેલ લાવવાના પ્રયાસરૂપે આ વિવાદમાં તમામ હિતધારકો સાથે વાટાઘાટો કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.સુપ્રીમ કોર્ટે કોઈપણ મધ્યસ્થી વિના પક્ષકારોને અનૌપચારિક વાતચીત કરવા માટે સમય પણ આપ્યો હતો પરંતુ આ વાતચીત નિષ્ફળ નીવડી હોવાનું જણાવાયું છે.
દેશભરમાં 1700 સ્ટોર ધરાવતા બિગ બજાર ફ્યુચર ગ્રુપનો જ હિસ્સો છે. 29 ઓગસ્ટ, 2019ના રોજ ફ્યુચર રિટેલના બોર્ડે રિલાયન્સ સાથેની ડીલને મંજૂરી આપી હતી.રિલાયન્સ રિટેલ ફ્યુચર ગ્રુપના રિટેલ, હોલસેલ અને લોજિસ્ટિક્સ બિઝનેસને રૂ. 24,713 કરોડમાં બેરિશ સેલ-ઓફ દ્વારા હસ્તગત કરવાનો નિર્ણય કર્યો હતો.
એમાઝોન આ સોદામાં પ્રથમ અધિકાર હોવાનો દાવો કરીને હસ્તક્ષેપ કરી રહ્યું છે અને રિલાયન્સ સમૂહ પણ આ તક જતી કરવા તૈયાર નથી કારણકે બંને ધનકુબેરોની નજર ભારતના વિશ્વના સૌથી ઝડપથી વધતા રિટેલ બજાર પર આધિપત્ય જમાવવાની છે.જોકે નાદારીના દ્રારે પહોંચેલ ફ્યુચર ગૃપની સ્થિતિ હાલ શૂળી વચ્ચે સોપારી જેવી થઈ છે.