અમદાવાદ : તા.8 જુલાઈ 2022,શુક્રવાર : એરફોર્સના નિવૃત્ત અધિકારી એવા સ્વર્ગસ્થ પિતાની મિલ્કતમાં ભાગ મેળવવાના ઇરાદાથી પિતા સાથેના સંબંધો સારા હોવાનું પ્રસ્થાપિત કરવા મોટા પુત્રએ રજૂ કરેલા વોટસઅપ ચેટ અને ફોટોગ્રાફ્સના પુરાવાને હાઇકોર્ટે માન્ય રાખ્યા ન હતા.પિતાની વારસાઇ મિલ્કતના ભોગવટા પર બાકીના ત્રણ સંતાનોને સિવિલ કોર્ટે ફરમાવેલા મનાઇહુકમ સામે ત્રણેય સંતાનોએ કરેલી અપીલ ગ્રાહ્ય રાખતા હાઇકોર્ટે આ ચુકાદો આપ્યો હતો અને મોટા પુત્રની માંગણી ફગાવી દીધી હતી.હાઇકોર્ટે જણાવ્યું હતું કે,કથિત વોટ્સ એપ ચેટ અને કુંટુંબીજનોના ફોટા રજૂ કરવાનો મતલબ એ નથી થતો કે,પિતા-પુત્ર વચ્ચેના સંબંધો સારા હતા.
આ કેસની વિગત એવી છે કે,એરફોર્સના સ્વર્ગસ્થ નિવૃત્ત અધિકારીને ચાર સંતાનો હતો.જેમાં મોટા પુત્ર સાથે અણબનાવ થયો હતો તે અંગે તેમણે પોતાના વીલમાં પણ ઉલ્લેખ કર્યો હતો.પિતાના નિધન બાદ મોટા પુત્રના ભાગે વારસાઇ મિલ્કત આવી હતી પરંતુ અન્ય ત્રણ સંતાનો કરતાં પોતાને ઓછો હિસ્સો મળતાં તેની નારાજગીને લઇ તેણે સિવિલ કોર્ટમાં દાવો કરી વસિયતને પડકારી હતી.જેમાં સિવિલ કોર્ટે મિલ્કતનો ભોગવટા સામે ત્રણેય સંતાનોને વચગાળાના હુકમથી મનાઇ ફરમાવી હતી.જેની સામે ત્રણેય સંતાનો હાઇકોર્ટમાં આવ્યા હતા.આ કેસમાં મોટા પુત્રએ પોતાના સંબંધો પિતા સાથે સારા હોવાનું પ્રસ્થાપિત કરવા પિતા સાથેની વોટ્સ એપ ચેટ અને ફોટોગ્રાફ્સ રજૂ કર્યા હતા પરંતુ હાઇકોર્ટે તે પુરાવા તરીકે ગ્રાહ્ય રાખ્યા ન હતા.હાઇકોર્ટે સિવિલ કોર્ટના હુકમને ભૂલભરેલો ગણાવ્યો હતો અને સિવિલ કોર્ટમાં પડતર દાવાને છ મહિનામાં ચલાવી પૂર્ણ કરવા હુકમ કર્યો હતો.હાઇકોર્ટે આ કેસના તમામ પક્ષકારોને દાવાના ઝડપી નિકાલમાં સહકાર આપવા પણ તાકીદ કરી હતી.


