– ખોટ કરતી એર-ઇન્ડિયાના ડિસઇન્વેસ્ટમેન્ટમાં વધુ વિલંબ
– તાતા સમૂહને એર ઈન્ડિયા વેચવાની પ્રક્રિયામાં ટોચના અધિકારી-સત્તાધીશોની ભૂમિકા શંકાસ્પદ : સુબ્રમણ્યમ સ્વામી
નવી દિલ્હી : મોદી સરકારના જ સાંસદ સભ્ય અને બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીએ એર ઈન્ડિયાના ખાનગીકરણ માટે ટાટા સન્સ સાથેના સોદાને પડકારતી અરજી દિલ્હી હાઈકોર્ટમાં કરી હતી જે મામલે અદાલત 6 જાન્યુઆરી, ગુરૂવારે પોતાનો ચૂકાદો સંભાવળશે.સ્વામીએ એર ઈન્ડિયાની ડિસઈન્વેસ્ટમેન્ટ પ્રક્રિયાને રદ કરવાની અને સત્તાધીશોએ આપેલ મંજૂરી રદ્દ કરવા માંગણી કરવામાં આવી હતી.જોકે સામે પક્ષે કેન્દ્ર સરકારે મંગળવારે દિલ્હી હાઈકોર્ટમાં ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીની અરજીનો વિરોધ કર્યો હતો.કેન્દ્રએ આ અરજી દુર્ભાવનાપૂર્ણ અરજી ગણાવી છે.
સોલિસિટર જનરલે દલીલ કરી હતી કે અરજી ત્રણ ગેરસમજો પર આધારિત છે અને તેના પર કોઈ વિચારણાની પણ જરૂર નથી.સ્વામીએ એડવોકેટ સત્ય સાબરવાલ મારફતે દાખલ કરેલી અરજીમાં આ પ્રક્રિયાના ટોચના અધિકારીઓની ભૂમિકા અને કાર્યપદ્ધતિ અંગે સીબીઆઈ તપાસ અને કોર્ટ સમક્ષ તેનો વિગતવાર અહેવાલ રજૂ કરવાની પણ વિનંતી કરી છે.કેન્દ્ર સરકારે ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીની અરજીનો વિરોધ કરતા કહ્યું કે ટાટા સન્સ સંપૂર્ણપણે ભારતીય કંપની છે, જેણે ઈન્ડિયન એરલાઈન્સ એર ઈન્ડિયાને ખરીદી છે, તેથી સુબ્રમણ્યમ સ્વામીનો આરોપ સંપૂર્ણપણે ખોટો છે.
કોર્ટના ચીફ જસ્ટિસ ડીએન પટેલ અને જસ્ટિસ જ્યોતિ સિંહની બેન્ચે સુબ્રમણ્યમ સ્વામી,સોલિસિટર જનરલ તુષાર મહેતા અને આ મામલે એરએશિયા તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેની દલીલો સાંભળી હતી. દલીલો સાંભળ્યા બાદ નિર્ણય અનામત રાખતા બેન્ચે કહ્યું કે તે અરજી પર 6 જાન્યુઆરીએ આદેશ આપશે.મુખ્ય મુદ્દોએ છે કે ગત વર્ષે ઓક્ટોબરમાં, કેન્દ્ર સરકારે એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસમાં 100 ટકા શેર તેમજ ગ્રાઉન્ડ હેન્ડલિંગ કંપની AISATSમાં 50 ટકા હિસ્સા માટે ટાટા સન્સ કંપની દ્વારા ઓફર કરાયેલ સૌથી વધુ બિડ સ્વીકારી હતી.સરકારે 18,000 કરોડ રૂપિયામાં એર ઈન્ડિયા માટે ટાટા સમૂહ સાથે કરાર કર્યા હતા.
ટાટા ગ્રૂપ રૂ. 2700 કરોડ રોકડ ચૂકવશે અને એરલાઇનનું 15,300 કરોડનું દેવું ટેકઓવર કરશે.આ સોદો ડિસેમ્બર અંત સુધી પૂર્ણ થવાની અપેક્ષા હતી પરંતુ ટાટા સન્સે જ કહ્યું કે અમુક મંજૂરીઓ બાકી હોવાથી સોદામાં વિલંબ શક્ય છે.નેશનલ એરલાઈન્સની ઘરવાપસી કરવામાં એક મહિનાનો વિલંબ થવાની સંભાવના છે.

