– ભારત-ઓસ્ટ્રેલિયાના પીએમ વચ્ચેની વર્ચ્યુઅલ મંત્રણામાં ચીનનો મુદ્દો ઉઠયો
– યુક્રેનમાં યુદ્ધ માટે રશિયાને જવાબદાર ઠેરવવું જોઇએ,અમે યુક્રેન કટોકટી અંગે ભારતના વલણને સમજીએ છીએ : સ્કોટ મોરિસન
– ઓસ્ટ્રેલિયા ભારતમાં 15 અબજ ડોલર જ્યારે ભારત ઓસ્ટ્રેલિયામાં 12 અબજ ડોલરનું રોકાણ કરશે : બંને દેશો વચ્ચે અનેક સમજૂતીઓ થઇ
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસનની સાથે વર્ચ્યુઅલ સમિટ યોજી હતી.આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોંમાં બંને દેશોના સંબધોમાં મોટા પાયે સુધારો થયો છે.સમિટ દરમિયાન મોદીએ જણાવ્યું હતું કે વેપાર અને રોકાણ,સંરક્ષણ અને સુરક્ષા,શિક્ષણ અને સંશોધન,વિજ્ઞાાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં આવનારા સમયમાં બંને દેશો મળીને કામ કરશે.
આ સમિટ દરમિયાન ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને જણાવ્યું હતું કે યુક્રેનમાં થયેલ જાનહાનિ માટે રશિયા જવાબદાર છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે યુક્રેન કટોકટી અંગે ભારતના વલણને સમજે છે.
આ બેઠકમાં લદ્દાખના એલએસી પર ગયા વર્ષની ઘટનાઓનો પણ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.જે અંગે વડાપ્રધાન મોદીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે શાંતિ જ બંને દેશો માટે સારા સંબધો માટેનો માર્ગ છે.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે સીઇસીએ(ક્રોમ્પિહેન્સિવ ઇકોનોમિક કોઓપરેશન એગ્રીમેન્ટ)નું વહેલી તકે પૂર્ણ થવું બંને દેશોના આર્થિક સંબધો અને સુરક્ષા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.તેમણે જણાવ્યું હતું કે ક્વાડમાં પણ અમારી વચ્ચે સારો સહકાર ચાલી રહ્યો છે અને આ ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં અમારી કટિબદ્ધતાને દર્શાવે છે.
આ સમિટ દરમિયાન બંને નેતાઓએ યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષ અને માનવીય સ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી અને બંને નેતાઓએ એક સુરે જણાવ્યું હતું કે આંતરરાષ્ટીય કાયદાનું પાલન થવું જોઇએ અને ક્ષેત્રીય અખંડતા અને સંપ્રુભતાનું સન્માન થવું જોઇએ.આ દરમિયાન બંને નેતાઓએ સંમતિ દર્શાવી હતી કે યુરોપમાં ચાલી રહેલું સંઘર્ષ ભારત-ઓસ્ટ્રેલિયા માટે ઇન્ડો પેસેફિક ક્ષેત્રથી ધ્યાન હટાવવાનું કારણ ન બનવું જોઇએ.
વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૂંગલાએ જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયા લગભગ ૧૫ અબજ ડોલરનું રોકાણ ભારતમાં કરશે.આ સમજૂતી હેઠળ ભારત પણ ઓસ્ટ્રેલિયામાં ૧૨ અબજ ડોલરનું રોકાણ કરશે.મંત્રણા દરમિયાન બંને નેતાઓ વચ્ચે અનેક મહત્ત્વપૂર્ણ સમજૂતીઓ થઇ હતી.માઇનિંગ ક્ષેત્રમાં સહકારના સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતાં.આ સમજૂતી ભારતના ખનિજ વિદેશ ઇન્ડિયા લિમિટેડ અને ઓસ્ટ્રેલિયાના મહત્ત્વપૂર્ણ ખનિજ સુવિધા કાર્યાલય વચ્ચે કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે બંને નેતાઓ વચ્ચે જૂન, ૨૦૨૦માં પ્રથમ વર્ચ્યુઅલ મંત્રણા યોજાઇ હતી.


