કોરોના વાઈરસે સૌથી વધારે તબાહી યૂરોપમાં મચાવી અને હવે ત્યાં સ્થિતિ સ્થિર છે. પણ ચિંતાની વાત એ છે કે હવે આ વાઈરસ ફરી એશિયામાં તોફાન મચાવવા તૈયાર થયો છે. ચીનમાં શરૂ થયેલો વાઈરસ ભારત અને જાપાનમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. હાલ તો જાપાનની હાલત ખૂબ જ ગંભીર છે. અંદાજ એ વાતથી જ લગાવી શકાય છે કે ગુરૂવારે 24 કલાકમા 500 નવા પોઝીટીવ કેસ આવતા જાપાનમાં હડકંપ મચી ગયો છે.
સૌથી વૃદ્ધ લોકો જાપાનમાં
જાપાનમાં મૃત્યુંદર સૌથી ઓછો હોવાના કારણે ત્યાં વૃદ્ધોની સંખ્યા વધારે છે. આ કારણે જ જાપાનના પ્રધાનમંત્રી શિંજો આબેએ 7 જગ્યાઓ પર કટોકટી લાદી દીધી છે. જો કે આ લોકડાઉન નથી. જેથી સ્થિતિ હજુ બગડી શકે તેવી આશંકા સેવવામાં આવી રહી છે. જાપાનમાં સૌથી વધારે સંખ્યામાં વૃદ્ધો છે. દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતા જાપાનની કંપનીઓએ પણ કર્મચારીઓને ઘરેથી કામ કરવાનું કહી દીધું છે. ત્યાં સુધી કે ટોક્યાના રસ્તાઓમાં પણ લોકો સામાન્ય દિવસોની માફક જ દેખાઈ રહ્યાં છે. અત્યાર સુધીમાં જાપાનમાં 4,667 લોકો કોરોના પોઝીટીવ થઈ ચૂક્યા છે. જેમાંથી 94 લોકોની મોત થઈ ગઈ છે.
ભારતમાં 166નાં મોત
ભારતમાં 5,734 લોકો કોરોનાથી સંક્રમિત છે. 166 લોકોએ જીવ ગુમાવ્યા છે. ભારતમાં પહેલાંથી જ 21 દિવસનું લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. પણ વધી રહેલા કેસના કારણે કેટલાક હોટસ્પોટ વિસ્તારોને સીલ કરી દેવામાં આવ્યા છે. જે વિસ્તારોમાં કોરોનાના સૌથી વધારે દરદીઓ મળી રહ્યાં છે તેમને વિશેષ જગ્યા પર રાખવામાં આવી રહ્યાં છે. હાલ દેશમાં 14 એપ્રિલ સુધી લોકડાઉન છે. જ્યારે ઓરિસ્સા સરકારે 30 એપ્રિલ સુધી લોકડાઉનની જાહેરાત કરી દીધી છે. ત્રીજો તબક્કો પૂર્ણ થતા જ દેશમાં કોરોના વાઈરસની સ્થિતિનો ચિતાર સ્પષ્ટ થઈ જશે.
ઈટાલીમાં સૌથી વધારે મોત
સમગ્ર વિશ્વની જો વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં 1,519,571 લોકો કોરોના પોઝીટીવ છે. જેમાંથી 88,550 લોકોની મોત થઈ ચૂકી છે. સૌથી વધારે ઈન્ફેક્શનની ઝપેટમાં અમેરિકા દેશ આવ્યો છે. અહીં 435,160 લોકો કોરોના પોઝીટીવ છે અને 14,797 લોકોની મોત થઈ ચૂકી છે. સ્પેનમાં 148,220 લોકો કોરોના પોઝીટીવ છે અને 14,792 લોકોના મોત થઈ ચૂક્યા છે. સૌથી વધારે મોત ઈટાલીમાં થયા છે. જ્યાં 17,669 લોકોએ જીવ ગુમાવ્યા છે.
ચીનમાં સ્થિતિ સુધાર પર
બીજી તરફ કોરોના વાઈરસનો સૌ પ્રથમ સામનો કરનારા ચીનની ગાડી ધીમે ધીમે પાટા પર આવી રહી છે. અહીં કુલ 81,865 લોકોના કોરોનાની ઝપેટમાં આવ્યા છે. જ્યારે કુલ 3,335 લોકોની મોત થઈ ચૂકી છે. સૌથી વધારે કોરોનાનો શિકાર વુહાન પ્રાંત થયો હતો જ્યાંથી લોકડાઉન હટાવી દેવામાં આવ્યું છે. ચીન સરકાર દ્રારા અહીં સ્વસ્થ લોકોને બહાર જવાની પરવાનગી પણ મળી રહી છે.