જકાર્તા : તા.૨૪ ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે ઉતરેલી ભારતીય મેન્સ હોકી ટીમને જાપાન સામેની બીજી લીગ મેચમાં ૨-૫થી પરાજયનો સામનો કરવો પડયો હતો.ભારતે આ વખતે એશિયા કપમાં યુવા ખેલાડીઓને ઉતાર્યા છે,જેના કારણે ટીમ બે મેચ પછી પણ ટુર્નામેન્ટમાં પહેલી જીત નોંધાવી શકી નથી.અગાઉ રમાયેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની પ્રથમ મેચ ૧-૧થી ડ્રો રહી હતી.હવે ભારત તેની આખરી લીગ મેચમાં ૨૬મી મે ના રોજ ઈન્ડોનેશિયા સામે રમશે.જકાર્તામાં ચાલી રહેલા મેન્સ એશિયા કપની બીજી લીગ મેચમાં ભારતના યુવા ખેલાડીઓ જાપાનની આક્રમક રમત સામે ટકી શક્યા નહતા. પ્રથમ ક્વાર્ટરમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર દેખાવ કર્યો હતો અને જાપાનના આક્રમણોને નિષ્ફળ બનાવ્યા હતા.ભારતના કેટલાક આક્રમણો પણ સફળ રહ્યા નહતા અને પ્રથમ ક્વાર્ટરના અંતે સ્કોર ૦-૦રહ્યો હતો.જોકે બીજા ક્વાર્ટરમાં નાગાયોશી કેને ગોલ ફટકારતાં જાપાનને સરસાઈ અપાવી દીધી હતી.ભારતે બીજા ક્વાર્ટરમાં બરોબરી મેળવવાનો પ્રયાસ કર્યો હતો,પણ તેમાં તેને સફળતા મળી નહતી.ત્રીજા ક્વાર્ટરની શરૃઆતમાં ભારતને ગોલ ફટકારવાની ગોલ્ડન તક મળી હતી,પણ એસવી સુનિલ બોલને ગોલમાં મોકલી શક્યો નહતો.જાપાને ત્યારે કાઉન્ટર એટેક કર્યો હતો અને કાવાબે કોસેઈએ ગોલ નોધાવતા તેમની સરસાઈને બેવડાવી દીધી હતી.ભારતે મેચમાં પાછા ફરવાનો ઈરાદો વ્યક્ત કરતાં પ્રથમ ગોલ નોંધાવ્યો હતો.કેપ્ટન બિરેન્દ્ર લાકરાના પાસની મદદથી પવન રાજભારે ગોલ ફટકાર્યો હતો.જાપાને ચોથા ક્વાર્ટરની શરૃઆતમાં જ ઓકા રયોમાના ગોલને સહારે ૩-૧થી સરસાઈ મેળવી લીધી હતી.
જોકે ભારતે તરત તેનો જવાબ આપ્યો હતો અને ઉત્તમ સિંઘે ગોલ નોંધાવતા ભારત પર જાપાનની સરસાઈ માત્ર એક જ ગોલની જ રહી ગઈ હતી.ભારતને આખરી મિનિટોમાં પેનલ્ટી કોર્નર મળ્યું હતુ,પણ તેનો તે લાભ ઉઠાવી શક્યું નહતુ.જ્યારે જાપાને યામાકાશી કોજી અને કાવાબે કોસાઈના ગોલને સહારે ૫-૨થી સરસાઈ મેળવી લીધી હતી.જે વિજયી સાબિત થઈ હતી.


