અમદાવાદ,તા. 6 મે 2022,શુક્રવાર : ઓઢવની પ્રવીણ કાર્ગો ટ્રાન્સપોર્ટ કંપનીનો 39 લાખનો માલ ટ્રકમાં લઈ રવાના થયેલા ડ્રાઈવર બાપ અને કન્ડક્ટર પુત્ર છેલ્લા 15 દિવસથી ગૂમ હોવાની ઘટના બની છે.બનાવને પગલે શોધખોળ કરી થાકેલા ટ્રાન્સપોર્ટ કંપનીના મેનેજરે રૂ.39 લાખનો સામાન અને 15 લાખની ટ્રક મળી રૂ.54 લાખની મતા લઈ જઈ વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ બાપ બેટા વિરુદ્ધ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ગુરુવારે કરી છે.ટ્રકમાં લાગેલા જીપીએસ સીસ્ટમમાં લાસ્ટ લોકેશન મહારાષ્ટ્રના ટોલ પ્લાઝાનું આવ્યું હતું.
મૂળ રાજસ્થાનના અને ચાંદખેડામાં રહેતા અનિલકુમાર બહાદુરસિંહ માંગોલિયાએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.જે મુજબ પ્રવીણ કાર્ગો ટ્રાંસપોર્ટમાં તેઓ મેનેજર તરીકે ફરજ બજાવે છે.કંપનીની હેડ ઓફિસ બેંગ્લોરમાં આવેલી છે.ગત એપ્રિલ મહિનામાં પાર્ટીઓનો સામાન બેંગ્લોર મોકલવા અજંતા ટ્રાન્સપોર્ટની ટ્રક ભાડે કરી હતી.
તા. 22 એપ્રિલેના રોજ આ ટ્રક લઈ ડ્રાઈવર મો.અનિસ અને તેનો કન્ડક્ટર પુત્ર મો.અનસ ટ્રક લઈ રવાના થયા હતા.બે દિવસ બાદ બેંગ્લોર ઓફિસથી ટ્રક ન પહોંચ્યો હોવાનો ફોન આવ્યો હતો.ફરિયાદીએ બાપ-બેટાને ફોન કરતા તેઓએ ફોન ઉપાડ્યો ન હતો.આ અંગે અજંતા ટ્રાન્સપોર્ટને જાણ કરતા તેઓએ પણ ફોન કરતા જવાબ ના મળ્યો બાદમાં બાપ બેટા ના ફોન બંધ આવતા હતા.ટ્રકમાં જીપીએસ હોવાથી લોકેશન મેળવતા છેલ્લું લોકેશન મહારાષ્ટ્રના તલેગાવ ટોલ ટેક્સનું આવતું હતું.માણસ મોકલી ત્યાં તપાસ કરાવી પણ ટ્રક કે ડ્રાઈવર કન્ડક્ટર મળ્યા ન હતા.આ બન્નેને શોધવા તેઓના વતન ઉત્તરપ્રદેશ ખાતે તપાસ કરાવી પણ કઈ પત્તો લાગ્યો ન હતો.આખરે પ્રવીણ કાર્ગોના મેનેજરે તેઓની 50 પાર્ટીઓએ મોકલેલો રૂ.39,09,554ની મત્તાનો માલસામાન અને 15 લાખની ટ્રક મળી કુલ રૂ. 54,09,554ની કિંમતનો સામાન લઈ ફરાર થઇ ગયેલા બાપ બેટા વિરુદ્ધ ફરિયાદ કરી છે.