અમદાવાદ,ગુરૃવાર : મેઘાણીનગર ભાર્ગવ રોડ પર આવેલી પરમાનંદ સોસાયટીમાં રહેતા અને ચાર્ટડ એકાઉન્ટનો અભ્યાસ કરતા યુવકને ઓનલાઇન ઇલેક્ટ્રોનીક બાઇકની ખરીદી કરવા જતા દોઢ લાખ રૃપિયા ગુમાવવાનો વારો આવ્યો છે.યુવકે ઓનલાઇન તપાસ કરી હતી.જેના આધારે ગઠિયાઓએ ડેટા મેળવીને કંપનીના કર્મચારીના નામે વાત કરીને બુકીંગ એમાઉન્ટથી માંડીને ફુલ પેમેન્ટની ઓફર આપીને નાણાં લઇ લીધા હતા.જે અંગે મેઘાણીનગર પોલીસે તપાસ હાથ ધરી છે.
મેઘાણીનગર ભાર્ગવ રોડ પર આવેલી પરમાનંદ સોસાયટીમાં રહેતો કરણ લુઘાણી સીએનો અભ્યાસક્રમ કરે છે.સાથેસાથે સીએ ને ત્યાં ટ્રેનીંગ પણ લે છે.આ માટે પેટ્રોલનો ખર્ચ વધારે આવતો હોવાને કારણે તેમણે ગત જાન્યુઆરી ૨૦૨૨માં એક ઇલેક્ટ્રીક બાઇક કંપનીની વેબસાઇટ પર લોગઇન કરીને કસ્ટમર કેર નંબર મેળવીને ઇન્કવાયરી કરી હતી.જેમાં એક યુવતીએ તેને કંપની વતી વાત કરી હોવાનું જણાવીને સેલ્સ સાથે જોડાયેલા વ્યક્તિનો નંબર આવ્યો હતો.જેનું નામ અનિકેત પંડયા હતું.તેણે વિવિધ ઇ બાઇકના ફોટો મોકલી આપ્યા હતા.જેમાઁથી એક ચોક્કસ મોડલ પંસદ કરીને અનિકેતને જાણ કરતા તેેણે ૨૩મી ફેબુ્રઆરીએ માનેસરની એસબીઆઇના એકાઉન્ટ નંબર આપીને બુકીંગના રૃપિયા ૭૨૦૦ ભરાવ્યા હતા.બાદમાં પ્રોસેસીંગ ફી, વીમા તેમજ અન્ય પ્રોસેસ અને બાઇકનું ફુલ એમાઉન્ટના નામે કુલ ૧.૫૦ લાખ રૃપિયા ભરાવ્યા હતા.જો કે બાદમાં બાઇક આપ્યું નહોતું અને છેતરપિંડી આચરી હતી.જેથી આ અંગે તેણે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.


