અમદાવાદ,મંગળવાર,3 મે,2022 : અમદાવાદમાં નાગરિકોની પાણી,ગટર સહિતની ફરિયાદ ઓનલાઈન નોંધાવવા માટે શરુ કરાયેલી સિસ્ટમ હેઠળ એક વર્ષમાં અમદાવાદના મેયરના વોર્ડમાં ૭૫૯ અને વિપક્ષનેતાના વોર્ડમાં ૧૫૭૧ ફરિયાદ નોંધાવા પામી હતી.શહેરીજનોની ફરિયાદોના નિકાલ માટે સાત વર્ષ અગાઉ શરુ કરવામાં આવેલી આ સિસ્ટમમાં લોકોની ફરિયાદનો નિકાલ થાય એ પહેલા ફરિયાદ કલોઝ કરાતી હોવાની બૂમ વચ્ચે આ સર્વિસ ચાર્જેબલ કરાઈ હોવાથી ઓનલાઈન ફરિયાદ કરવાનું નાગરિકો ટાળે છે.બીજી તરફ મસ્ટર ઉપર લાલ ચિઠ્ઠીની ફરિયાદ નોંધવાના બદલે ફરિયાદ કરનારાને ઓનલાઈન ફરિયાદ કરવા કહેવાય છે.એક વર્ષમાં પાલડી વોર્ડમાં સૌથી વધુ ૮૨૦૩ ફરિયાદ નાગરિકોએ ઓનલાઈન નોંધાવી હતી.
૧૫૫૩૦૩ નંબરથી શહેરીજનોને તેમની પ્રાથમિક સુવિધાને લગતી ફરિયાદ કરવા સાત વર્ષ અગાઉ આ સર્વિસ શરુ કરાઈ એ સમયે કોઈ ચાર્જ ફરિયાદ નોંધાવવા થતો નહોતો.પાછળથી આ સર્વિસને ચાર્જેબલ બનાવી દેવાતા જે લોકો પોતાના મોબાઈલથી ફરિયાદ નોંધાવે છે એમને પ્રતિ મિનીટનો ચાર્જ તેમના મોબાઈલમાંથી કપાઈ જાય છે.બીજી તરફ મ્યુનિ.ના મસ્ટર સ્ટેશન ઉપર પ્રાથમિક સુવિધાની ફરિયાદ નોંધાવા જતા નાગરિકોની ફરિયાદ મસ્ટર સ્ટેશન ઉપર હાજર એવા સ્ટાફ દ્વારા લેવાના બદલે તેમને ઓનલાઈન સી.સી.આર.એસ.હેઠળ ફરિયાદ કરવા દબાણ કરાતુ હોવાની ફરિયાદો વ્યાપક બની છે.૧ એપ્રિલ-૨૦૨૧થી ૩૧ માર્ચ-૨૦૨૨ સુધીના એક વર્ષમાં મેયર કિરીટ પરમારના ઠકકરબાપાનગર વોર્ડમાં આ સિસ્ટમ હેઠળ ૭૫૯ ફરિયાદ નાગરિકોએ ઓનલાઈન નોંધાવી હતી
કોના વોર્ડમાં કેટલી ફરિયાદ
હોદ્દો ફરિયાદ
મેયર ૭૫૯
ડે.મેયર ૧૨૯૨
સ્ટે.ચેરમેન ૧૫૨૬
પક્ષનેતા ૧૨૧૬
દંડક શાસકપક્ષ ૦૯૭૭
વિપક્ષનેતા ૧૫૭૧
દંડક વિપક્ષ ૫૨૭


