સુરત : સુરતના બેગમપુરા વિસ્તારના ટેમ્પો ચાલકે ઓનલાઈન લોન લેવાના ચક્કરમાં રૂ.50 હજાર ગુમાવ્યા હતા.ભેજાબાજે હપ્તેથી બે મોબાઈલ ફોન ખરીદી લીધા હતા.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના બેગમપુરા ગોરા દાઉદ મસ્જીદની સામે મૃગવાન ટેકરો ઘર નં.4/2955 માં રહેતા 40 વર્ષીય ઈરફાનભાઇ ફરીદઅહમદ મન્સુરી ફ્રૂટના વેપારીને ત્યાં ટેમ્પો ચલાવે છે.ત્રણ વર્ષથી બજાજ ફિનસર્વ વર્ચ્યુઅલ કાર્ડનો ઉપયોગ કરતા ઈરફાનભાઈએ ગત 7 માર્ચના રોજ ફેસબુક પર અમન મન્સૂરી નામની આઈડીમાં મહાકાલ એન્ટરપ્રાઈઝના નામે કમિશન લઈને લોન અપાવવાની જાહેરાત જોઈને તેમાં લખેલા મોબાઈલ નંબર પર સંપર્ક કર્યો હતો.
વાત કરનારે ઈરફાનભાઈ પાસે કાર્ડની લિમિટ ચેક કરવા બજાજ ફિનસર્વ કાર્ડનો સ્ક્રીન શોટ વ્હોટ્સએપ પર મંગાવી બાદમાં તેમને રૂ.50 હજારની લોન કરાવી આપવાની અને તે માટે રૂ.12 હજાર કમિશનની વાત કરતા ઈરફાનભાઈ તૈયાર થયા હતા.તે વ્યક્તિએ ઈરફાનભાઈને પાંચ મિનિટમાં ઓટીપી આવે તે આપવા કહેતા ઈરફાનભાઈએ ઓટીપી આપ્યો તે સાથે તે વ્યક્તિએ તમારી લોન થઈ ગઈ છે તેમ તો કહ્યું હતું. પણ બાદમાં વ્હોટ્સએપ પર મેસેજ કર્યો હતો કે તમારા કાર્ડથી રૂ.49,959 ની કિંમતના બે મોબાઈલ ફોન મેં હપ્તેથી ખરીદ્યા છે.
ત્રણ ચાર દિવસ પછી ફોનની ડિલિવરી મળે ત્યારે તેને વેચી પૈસા આપીશ.જોકે,બાદમાં તેણે ન તો પૈસા આપ્યા હતા ન તો ફોન આપ્યા હતા.આથી આ અંગે ઈરફાનભાઈએ સાયબર ક્રાઈમમાં ઓનલાઇન ફરિયાદ કર્યા બાદ ગતરોજ તેના આધારે સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મોબાઈલ નંબરના આધારે વધુ તપાસ હાથ ધરી છે.