– મહારાષ્ટ્રના બાગી ધારાસભ્ય સુરતમાં હતા અને પાટીલે યોગ દિવસના તમામ કાર્યક્રમ રદ્દ કર્યા
સુરત,તા.21 જુન 2022,મંગળવાર : મહારાષ્ટ્રનું રાજકારણ ખસીને આજે ગુજરાત અને સુરતમાં આવી ગયું છે.સુરતની ફાઈવ સ્ટાર હોટલમાં એકનાથ સિંદે સહિતના બળવાખોર ધારાસભ્યો રોકાયા છે.આ ધારાસભ્યો સુરત આવે તે પહેલાં ભાજપ પ્રદેશ પ્રમુખે વિશ્વ યોગ દિવસના તમામ કાર્યક્રમ રદ્દ કરી દીધા હતા અને મોડી રાત્રે સુરત આવી ગયાં હતા જેના કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં ગુજરાત પ્રદેશ પ્રમુખની ભૂમિકા મહત્વની હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
વડાપ્રધાન દ્વારા જાહેર કરવામાં આવેલ વિશ્વ યોગ દિવસમાં સુરત સહિત સમગ્ર ગુજરાત વરસતા વરસાદમાં યોગમાં ડૂબી ગયું હતું.તો બીજી તરફ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે રાત્રે જ યોગના તમામ કાર્યક્રમ રદ્દ કરી દેવામાં આવ્યા હતા.
મહારાષ્ટ્રના બળવાખોર ધારાસભ્યો સુરતની હોટલમાં રોકાયા છે તેમને સુરત રોકાવવા માટે મોડી રાત્રે જ આયોજન કરી દેવામા આવ્યુ હતું.આ હોટલમાં 30થી વધુ રૂમ બુક કરી દેવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળે છે.સુરત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું હોમ ટાઉન છે અને તે શહેરમાં ફાઈવ સ્ટાર હોટલને લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવી બાગી ધારાસભ્યોને સેઈફ પેકેજ આપવામાં આવ્યું છે.એક તરફ બાગી ધારાસભ્ય સુરત આવે અને બીજી તરફ વિશ્વ યોગ દિવસ જેવા મહત્વના કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ અચાનક ખસી જાય તેના કારણે પાટીલ દ્વારા ઓપરેશન કમળ પાર પાડવામાં આવ્યું હોવાની ચર્ચા થઈ રહી છે.


