– ઓલપાડ તાલુકામાં કોંગ્રેસના બાર સાંધે ત્યાં તેર તૂટે જેવો ઘાત એરથાણ ગામના પ્રખર કોંગ્રેસી નેતાએ સમર્થકો સાથે ભાજપનો ભગવો ખેસ પહેરતા કોંગ્રેસમાં ભૂકંપ
ઓલપાડ : સુરત જુલલના ઓલપાડ તાલુકાના એરથાણ ગામના જન્મજાત પ્રખર કોંગ્રેસી નેતા અજિતસિંહ ઠાકોરે તેના સમર્થકો સાથે ભાજપનો ભગવો ખેસ ધારણ કરી લેતા ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિમાં ભૂકંપ સર્જાયો છે.જેના પગલે ઓલપાડ તાલુકામાં કોંગ્રેસની હાલત “બાર સાંધે ત્યાં તેર તૂટે” જેવી થવા પામી છે.
વિગત મુજબ એરથાણના માજી સરપંચ અને તાલુકાના કોંગ્રેસ અગ્રણી અજિતસિંહ ગણપતસિંહ ઠાકોર રવિવારે કીમ ટાઉનમાં જીન કેમ્પસ ખાતે રાજ્યના કૃષિ મંત્રી મુકેશભાઈ પટેલના જન આર્શીવાદ સમારોહની જાહેર સભામાં તેમના ટેકેદારો સાથે જોડાઈ ગયા હતા.જેના પગલે તેઓ સમર્થકો સાથે ભાજપનો ખેસ પહેરી કેસરિયા કરી લેતા તાલુકા કોંગ્રેસમાં ભૂકંપ સર્જાયો છે.જયારે ભાજપમાં જોડાયેલા અજિતસિંહ ઠાકોરે આ અંગે પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે,તેઓ છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસના રાષ્ટ્રીય કક્ષાથી માંડી તાલુકા કક્ષા અને ખાસ કરીને ઓલપાડ કોંગ્રેસના સંગઠનના માળખાથી નારાજ હતા.જયારે ઓલપાડ તાલુકામાં તો છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસના અસલ કાર્યકરોની સતત અવગણના કરી તેઓને સાઈટ ટ્રેક કરી રહ્યા હોવાથી તેઓ દુ:ખી હતા.તેમણે વધુ કહ્યું કે,તેઓ ઘણા સમયથી ધારાસભ્ય મુકેશ પટેલની પ્રજાના વિકાસ કામગીરીથી પણ પ્રભાવિત હોવાથી આજે કીમ ખાતે વિશાળ જનમેદની વચ્ચે તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે.
કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે અજિતસિંહના ઘરે જ ખેડૂતો સાથે મિટિંગ કરી હતી
તાજેતરમાં એરથાણ ગામે હળપતિનું મકાન ધરાશાયી દુર્ઘટનાવેળા સ્થાનિક કોંગ્રેસીઓ સાથે ગામની મુલાકાતે દોડી આવેલા ગુ.પ્ર.કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે અજિતસિંહ ઠાકોરના ઘરે જ ખેડૂતો સાથે મિટિંગ કરી હતી.તે સમયે ફાયર બ્રાન્ડ નેતા હાર્દિક પટેલે ઓલપાડ કોંગ્રેસીઓની જુઠ્ઠી વાતોમાં આવી જઈ ઓલપાડના ધારાસભ્ય અને હાલના રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની સામે બંદૂક ટાંકી ધારાસભ્ય વિકાસના કામો ન કરતા હોવાનું શાબ્દિક ફાયરિંગ પણ કર્યું હતું.જો કે મુકેશભાઈ પટેલે હાઇસો.. હાઇસો…કરી આંદોલન કરનારા હાર્દિક પટેલને વિકાસના કામોની શું ખબર પડે?તેવો જાહેર જવાબ અખબારી ક્ષેત્રે આપી હાર્દિક પટેલ અને સ્થાનિક કોંગ્રેસીઓની બોલતી બંધ કરી દીધી હતી.પરંતુ મુકેશભાઈ પટેલે ટૂંકા સમયમાં જ ફરી માસ્તર સ્ટ્રોક મારી અસલ કોંગ્રેસી નેતા અજિતસિંહ ઠાકોરને ભાજપનો ખેસ પહેરાવી દેતા વિકાસ કામો મામલે જુઠાણાં ફેલાવતા કોંગ્રેસીઓની ગાલ ઉપર સણસણતો તમાચો માર્યો છે.
હજુ પણ કોંગ્રેસ મોવડી મંડળ ઊંઘતું રહેશે તો કોંગ્રેસીઓ પંજો છોડે તેવા એંધાણ
છેલ્લા ઘણા સમયથી સુરત જિલ્લાના અન્ય તાલુકાઓ સહિત ઓલપાડ તાલુકામાં કોંગ્રેસની જૂથબંધી ચરમ સીમાએ વકરી છે.જયારે ઓલપાડ તાલુકામાં તો કોળી સમાજની બહુમતી વસ્તી હોવા છતાં કોળી નેતા અતુલ પટેલને રાતોરાત પ્રમુખપદેથી હટાવી પાંચ વર્ષ સુધી ભાજપનો ખેસ પહેરી ભાજપીઓ સાથે ઇલુ-ઇલુ કરનારાને પ્રમુખ બનાવી દેતા કોળી સમાજના કોંગ્રેસીઓ પાર્ટીનું કામ કરવાના બદલે ભૂગર્ભમાં ઉતરી ગયા છે.જેના પગલે ઓલપાડ તાલુકામાં કોંગ્રેસના વિરોધ પ્રદર્શન કાર્યક્રમોમાં સવાર થાયને થેલો લઈને નીકળી પડનારા ગણ્યા ગાંઠ્યા કાર્યકરો જ દેખાતા નજરે પડે છે.જો કે આ બાબતે તાલુકાના પાટીદાર અગ્રણી અને સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના માજી પ્રમુખ જગદીશ પટેલ(કનાજ)સોશિયલ મીડિયાના માધ્યમથી રોજ મોવડી મંડળનું ધ્યાન દોરી રહ્યા હોવા છતાં મોવડી મંડળ આંખ આડા કાન કરી રહ્યું છે.જેથી હજુ પણ કોંગ્રેસ મોવડી મંડળ ઊંઘતું રહેશે તો ઓલપાડ તાલુકામાં અનેક કોંગ્રેસીઓ પંજો છોડે તો એમાં નવાઈ પામવા જેવું કંઈ નથી.