– કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ લાભાર્થીઓને સીધો લાભ આપવાનો કાર્યક્રમ મંચ પર ભાજપના શહેર જિલ્લાના સંગઠનના નેતાઓને સ્થાન અપાયું
સુરત,તા.8 સપ્ટેમ્બર 2022,ગુરૂવાર : સુરત જિલ્લાના ઓલપાડ ખાતે આજે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાના હજારો લાભાર્થીઓને સીધો લાભ આપવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.ભાજપે આ સરકારી કાર્યક્રમમાં લાભાર્થીઓને લાભ આપવા સાથે આગામી વિધાનસભાના પ્રચારના શ્રીગણેશ પણ કરી દીધા છે.રાજ્ય સરકારના આ કાર્યક્રમમાં શહેર અને જિલ્લા ભાજપના હોદ્દેદારોને સ્થાન આપવામાં આવ્યું હતું.કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ યોજનાના લાભ છેવાડાના માનવીને મળે અને વચેટિયાઓ બાય પાસ થઈ જાય તે માટે સરકાર દ્વારા ઓલપાડ વિધાનસભા માટે એક કાર્યક્રમ રાખ્યો હતો.આ કાર્યક્રમ દરમિયાન રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને હાજર રાખવામાં આવ્યા હતા,સરકારના આ કાર્યક્રમમાં ભાજપના કાર્યકરો મોટી સંખ્યા હતા અને ભાજપે પણ આ સરકારના કાર્યક્રમને ચૂંટણી પ્રચારનો પ્લેટફોર્મ બનાવી દીધો હતો.
રાજ્ય અને કેન્દ્ર સરકારના લાભાર્થીઓને લાભ આપતા કાર્યક્રમમાં શહેર ભાજપના પ્રમુખ,મહામંત્રી અને હોદ્દેદારો સાથે સાથે જિલ્લા ભાજપના પ્રમુખ અને હોદ્દેદારોને પણ હાજર રાખવામાં આવ્યા હતા અને સ્ટેજ પર સ્થાન આપવામાં આવ્યું હતું.આટલું જ નહીં પરંતુ કાર્યક્રમ બાદ સ્ટેજ પર જ પેજ કમિટીની કામગીરી કરનારા ભાજપના કાર્યકરોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.આ સ્ટેજ પરથી જ તમામ બેઠક જીતવા માટેનું આહવાન આપવામાં આવ્યુ હતું.સ્ટેજ પર હાજર નેતાઓ મંત્રીઓ સહિતના તમામ ભાજપનો ખેસ અને ટોપી પહેરીને હાજર હોવાથી પહેલી નજરે આ કાર્યક્રમ સરકારનો નહી પણ ભાજપનો હોય તેવું દ્રવ્યમાન થતું હતું.


