– છેલ્લા ૨૭ વર્ષથી ભારતીય જનતા પાર્ટી પ્રજાને ગેરમાર્ગે દોરી રહી છે, ગુજરાતમાં ૫૦ લાખ લોકો બેકાર છે : બાપુ
સુરત.તા.29 : બાપુએ કર્યો કોંગ્રેસનો પ્રચાર.. જી…હા, ગુજરાતના માજી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સુરતના ઓલપાડ પહોંચ્યા હતા. ૧૫૫-ઓલપાડ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર દર્શન નાયક ના પ્રચાર અર્થે બાપુ ઓલપાડ પહોંચ્યા હતા.તેમણે મોડી સાંજે કીમ ખાતે જાહેર સભા સંબોધી ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.
સભાની શરૂઆતમાં ગાંધીવાદી અને કોંગ્રેસના પ્રખર કાર્યકર ઉત્તમભાઇ પરમાર,એડવોકેટ એન્ડ નોટરી રાજુભાઇ પરમારે પ્રાસંગિક ઉદબોધન કરી કોંગ્રેસના ઉમેદવાર દર્શન નાયકને જંગી બહુમતીથી જીતાડી લાવવા આહવાન કર્યું હતું.આ પ્રસંગે ૧૫૫-ઓલપાડ બેઠકના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર અને ખેડૂત આગેવાન દર્શન નાયકે જણાવ્યું કે, છેલ્લા ૩૨ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું રાજ હોવા છતાં શિક્ષિત યુવાનો આજે પણ બેરોજગાર છે.તેમણે સહકારી અને ખેડૂત આગેવાન સ્વ.પ્રમોદકાકા,હિતેન્દ્ર દેસાઇ,સ્વ.મગનકાકા જેવા લોકોએ સામાજિક એકતાનું કામ કર્યું છે. ૧૬ મહિનાના કોન્ટ્રાકટ હેઠળ કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવી રહેલા કીમ ઓવરબ્રિજ આજે પણ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસન ને કારણે અધૂરો છે.વીજ સમસ્યાઓથી આ વિસ્તાર ની જનતા ભોગ બની રહી છે.
શંકરસિંહ વાઘેલાએ સભામાં ઉપસ્થિત જંગી જનમેદની ને સંબોધતા જણાવ્યું કે, ભાજપનો વિરોધ કરવા અને કોંગ્રેસ નો પ્રચાર કરવા આવ્યો છું.છેલ્લા ૨૭ વર્ષથી ભારતીય જનતા પાર્ટી પ્રજાને ગેરમાર્ગે દોરી રહી હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. ગુજરાતમાં ૫૦ લાખ લોકો બેકાર હોવાનું પણ બાપુ એ જણાવ્યું હતું.આ વખતે ગુજરાતમાં કોંગ્રેસ ની સરકાર બનશે એવો પણ તેમણે દાવો કર્યો હતો.આ પ્રસંગે બાપુએ ભાજપ સરકાર પર પ્રહાર કરતા વધુમાં જણાવ્યું કે,પ્રજા મોંઘવારી અને બેકારીથી ત્રાસી ગઇ છે.વહીવટ જેવું કંઇ લાગતું નથી.દિલ્હીથી બે લોકો સરકાર ચલાવે છે,એ મંજૂર નથી.મતદારોને વિનંતી કરવા આવ્યો છું કે, તા.૧લી અને ૫મી ડિસેમ્બર ના રોજ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મતદાન કરી કોંગ્રેસ ની સરકાર બનાવવામાં મદદરૂપ થવા મતદારો ને અપીલ કરૂં છું.