– બિઝનેસ ટાયકૂન સાયરસ મિસ્ત્રી અને તેમના ત્રણ ફૅમિલીફ્રેન્ડ ગઈ કાલે ઉદવાડાથી આવી રહ્યા હતા ત્યારે ચારોટી નાકા પાસે ફુલ સ્પીડમાં જઈ રહેલી તેમની મર્સિડીઝ કાર ડાબી બાજુએથી ઓવરટેક કરવા જતાં ડિવાઇડર સાથે અથડાતાં સાયરસ મિસ્ત્રી અને જહાંગીર પંડોલનાં થયાં મોત
મુંબઈ : તાતા સન્સના ભૂતપૂર્વ ચૅરમૅન અને બિઝનેસ ટાયકૂન સાયરસ મિસ્ત્રીનું ગઈ કાલે બપોરે મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર ચારોટી નાકા પાસે કાર-ઍક્સિડન્ટમાં મૃત્યુ થયું હતું.તેઓ મર્સિડીઝ કારમાં મુંબઈ આવી રહ્યા હતા ત્યારે સૂર્યા નદી પરના બ્રિજના ડિવાઇડર સાથે કાર અથડાઈ હતી,જેમાં સાયરસ મિસ્ત્રીની સાથે પ્રવાસ કરી રહેલા જહાંગીર દિનશૉ પંડોલનું પણ મૃત્યુ થયું હતું,જ્યારે કાર ચલાવી રહેલાં ગાયનેક ડૉક્ટર અનાહિતા પંડોલને ગંભીર રીતે ઘાયલ થયા બાદ હૉસ્પિટલમાં ઍડ્મિટ કરાયાં હતાં.તેમના પતિ દરિયસ પંડોલને પણ ગંભીર ઈજા થઈ હોવાથી બન્નેને ગુજરાતના વાશીમાં આવેલી રેઇનબો નામની હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું.હાઈ-એન્ડ કાર વધુપડતી સ્પીડમાં આગળ જઈ રહેલા વાહનને ઓવરટેક કરતી હતી ત્યારે અનાહિતા પંડોલે કાબૂ ગુમાવતાં અકસ્માત થયો હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી હતી.
પાલઘરની કાસા પોલીસના જણાવ્યા મુજબ ગઈ કાલે બપોરે ૩.૧૫ વાગ્યે ચારોટી બ્રિજ નજીકના ડિવાઇડર સાથે મુંબઈ તરફ જઈ રહેલી એમએચ-૪૭-એબી-૬૭૦૫ નંબરની મર્સિડીઝ કાર ધડાકાભેર અથડાઈ હતી.આ અથડામણ એટલી જોરદાર હતી કે કારમાં પ્રવાસ કરી રહેલા ચારમાંથી એક પ્રવાસી કારની બહાર ફંગોળાઈ ગયો હતો.આ ઍક્સિડન્ટમાં તાતા સન્સના ભૂતપૂર્વ ચૅરમૅન સાયરસ પાલનજી મિસ્ત્રી અને જહાંગીર પંડોલનાં મૃત્યુ થયાં હતાં,જ્યારે જે.એમ. ફાઇનૅન્શિયલ પ્રાઇવેટ ઇક્વિટીના સીઈઓ દરિયસ પંડોલને ગંભીર ઈજા થઈ હતી અને કાર ચલાવતી તેમનાં પત્ની ડૉ.અનાહિતા પંડોલે ગંભીર ઈજાને લીધે હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.તેઓ મુંબઈની વિખ્યાત બ્રીચકૅન્ડી હૉસ્પિટલ સાથે સંકળાયેલાં ગાયનેકોલૉજિસ્ટ હતા.