બારડોલી : સુરત જિલ્લામાં દેશી વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસ દોડધામ કરી રહી છે ત્યારે કામરેજ તાલુકાનાં ઓવિયાણ ગામની સીમમાંથી એલસીબી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો છે.આ વિદેશી દારૂ હરીપુરા ગામના લિસ્ટેડ બુટલેગર શંભુ ઢીમ્મરે મંગાવ્યો હતો અને તેના સાગરીતો સાથે સગે વગે કરવાની પેરવીમાં હતો તે દરમ્યાન પોલીસે રેડ કરી એક વ્યક્તિને ઝડપી પાડ્યો હતો અને કુલ 21.47 લાખનો મુદ્દામાલ કબ્જે કરી 7 વ્યક્તિને વોંટેડ જાહેર કર્યા હતા.
રાજ્ય સરકાર એક તરફ દારૂબંધીની વાતો કરે છે. ત્યારે આ વાતો તદ્દન પાગળી પુરવાર થઈ રહી છે.રાજયમાં દારૂબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં સુરત જિલ્લામાં વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવામાં આવી રહયો છે.ત્યારે પોલીસ આવા દારૂની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પ્રયત્નો કરી રહી છે.ઠેર ઠેર દરોડા કરીને આવા દારૂના જથ્થાને પકડી પણ રહી છે.ત્યારે સુરત જિલ્લાના કામરેજ તાલુકાનાં ઓવિયાણ ગામની સીમમાં આવેલ એક ખેતરમાં કડોદરાના હરીપુરા ગામના લિસ્ટેડ બુટલેગર જયંતિ ઉર્ફે શંભુ શાંતિલાલ ઢીમ્મરે મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો હતો.અને તેના સાગરીતો સાથે મળી અલગ અલગ વાહનોમાં આ વિદેશી દારૂનો જથ્થો ભરી સગે વગે કરવાની પેરવીમાં હોય જે અંગેની બાતમી કડોદરા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ અશ્વિનભાઈ ચીમનભાઈ તથા એલસીબી શાખાના માણસોને મળતા એલસીબી પોલીસે ઘટના સ્થળે રેડ કરી હતી. રેડ દરમ્યાન પોલીસે વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ 6900 કિંમત રૂ. 10,65,600 તથા એક કાર કિંમત રૂ, 10 લાખ, ત્રણ બાઈક કિંમત રૂ. 65000 તથા 17 હજારની કિંમતના ત્રણ મોબાઈલ મળી કુલ 21,47,600ના મુદ્દામાલ સાથે સંજય નાનુભાઈ ઢીમ્મર (રહે, હરીપુરા ગામ, લીમડી ચોક, તા-પલસાણા) ને ઝડપી પાડ્યા હતા.જ્યારે પોલીસની રેડ દરમ્યાન ભાગી ગયેલ જયંતિ ઉર્ફે શંભુ શાંતિલાલ ઢીમ્મર (રહે, હરીપુરા, જલારામ મંદિર પાસે, તા-પલસાણા), કમલેશ શાંતિલાલ ઢીમ્મર (રહે, હરીપુરા, જલારામ મંદિર પાસે), રોશન (રહે, દમણ), ચેતન ઢીમ્મર (રહે, હરીપુરા, તા-પલસાણા), કાનો મેવાડા (રહે, ચલથાણ, તા-પલસાણા), અખિલેશ ઉર્ફે પિંકેશ (રહે, તાતીથૈયા, તા-પલસાણા), યોગેશ ઉર્ફે આનંદ આધાર વાલે (રહે, ચલથાણ, તા-પલસાણા) ને વોંટેડ જાહેર કરી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


