– તાલુકા પંચાયતના પ્રમુખ,ઉપપ્રમુખ,એપીએમસી પ્રમુખ,ખરીદ વેચાણ સંઘના પ્રમુખ અને કાર્યકરોએ કેસરિયો ધારણ કર્યો
ભરૂચ : દસકોથી વિકાસથી વંચિત આદિવાસી વિસ્તારમાં હવે ભાજપાના વિકાસનો ભગવો લહેરાવાની તૈયારીના ભાગ રૂપે બીટીપી સમર્થનની ઝઘડિયા તાલુકા પંચાયતના પ્રમુખ રિતેશ વસાવા,ઉપપ્રમુખ પ્રકાશભાઈ દેસાઈ,ઝઘડિયા ખરીદ વેચાણ સંઘના ચેરમેન મહેન્દ્રસિંહ વાંસદિયા,ઝઘડિયા એપીએમસી ચેરમેન દીપકભાઈ પટેલ તેમજ 35 થી વધુ ગામોના સરપંચ અને ડેપ્યુટી સરપંચોએ આજે કેસરિયો ધારણ કર્યો હતો.
આજે સાંસદ મનસુખભાઈ વસાવા,માજી પ્રદેશ મહામંત્રી ભારતસિંહ પરમાર,જિલ્લા ભાજપા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા,જિલ્લા મહામંત્રી નિરલભાઈ પટેલ,મહામંત્રી વિનોદભાઈ પટેલ,મંત્રી નિશાંતભાઈ મોદી,તેમજ ઝઘડિયા ભાજપાના તાલુકા પ્રમુખ ધર્મેન્દ્રસિંહ માટીયેડા,મહામંત્રી રવજીભાઈ વસાવા,ઝઘડિયા ભાજપાના મહામંત્રી દિનેશભાઇ વસાવા સહિતના હોદ્દેદારોએ બીટીપી સમર્થકોને કેસરિયો ખેસ પહેરાવી અને વિધિવત રીતે ભાજપામાં પ્રવેશ કરાવ્યો હતો.
ભાજપના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ” અમે આદિવાસી વિસ્તારોમાં છેવાડાના માનવી સુધી ભાજપાની રાષ્ટ્ર ભક્તિની વિચારધારાને પહોંચાડવાનું કાર્ય કરશું અને નવા ભાજપમાં જોડાનાર હોદ્દેદારો અને કાર્યકરોની સાથે જોડાઈને કરશું.” સાંસદ મનસુખભાઇ વસાવાએ જણાવ્યું હતું કે, “ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ તાલુકાનો વિકાસ થાય અને જે લોકો ભાજપમાં જોડાયા છે તેને ચકોઈ ધાકધમકી આપે તેણે સમજી લેવું જોઈએ કે ભાજપાનું પીઠબળ તેમની સાથે છે. મા.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ સૌનો સાથ અને સૌનો વિકાસ કરવા માંગે છે.”
માજી પ્રદેશ મહામંત્રી ભારતસિંહ પરમારે જણાવ્યું હતું કે,”આદિવાસી વિસ્તારમાં કિસાન સન્માન નિધિમાં ખેડૂતોના ખાતામાં નાણાં જમા થયા છે.ખેડૂતોની આવક બમણી કરવામાં મોદી સાહેબે જે આહવાન કર્યું હતું તે કરી ને બતાવ્યું છે.આ વિસ્તારમાં કામો વિકાસના કરવામાં હવે જે અડચણો નડતી હતી એ હવે આવનાર 5 થી 10 વર્ષમાં વિકાસને કોઈ અટકાવી શકે નહીં.” જોકે સમગ્ર કાર્યક્રમમાં કોરોનાની સરકારી ગાઈડ લાઇન્સનું જાહેરમાં ઉલ્લંઘન થયું હતું અને લોકો ટોળે વળેલા નજરે પડ્યા હતા.
સમય આવે કારણ જણાવીશું
પક્ષ છોડવાનું કારણ યોગ્ય સમયે જણાવીશ.બીટીપી સાથે છેડો ફાળવા પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે.જોકે હાલ તેનો ખુલાસો કરવો યોગ્ય નથી.યોગ્ય સમય આવશે ત્યારે કારણ જણાવીશ.> રિતેશ વસાવા, તા.પં.પ્રમુખ, ઝઘડિયા.
ધારાસભ્ય છોટુ વસાવાના વિશ્વાસુઓએ જ પક્ષ પલટો કરતાં રાજકારણ ગરમાયું
ઝઘડિયા તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ પ્રકાશ દેસાઇ છોટુભાઇ વસાવાના રાઇટ હેન્ડ ગણાતાં હતાં.આવા સંજોગોમાં તેમણે અન્ય સાથીઓ સાથે પક્ષ પલટો કરતાં સ્થાનિક રાજકારણ ગરમાયું છે.પ્રકાશ દેસાઇને છોટુભાઇએે રાજકારણમાં લાવ્યાં હોવાનું ચર્ચાઇ રહ્યું છે.ત્યારે તેઓ તાલુકા પંચાયતમાં કામગીરી સારી ન હોઇ તેમની બીટીપીમાંથી હકાલપટ્ટી થાય તે પહેલાં જ ભાજપ સાથે બેઠક કરી પક્ષ પલટો કર્યાંનું ચર્ચાય છે.
ધમકીઓ આપનારાઓએ સમજી લેવું
સાંસદ મનસુખભાઇ વસાવાએ જણાવ્યું હતું કે, ઝઘડિયા,વાલિયા અને નેત્રંગ તાલુકાનો વિકાસ થાય અને જે લોકો ભાજપમાં જોડાયા છે તેને કોઈ ધાકધમકી આપે તેણે સમજી લેવું જોઈએ કે ભાજપાનું પીઠબળ તેમની સાથે છે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ સૌનો સાથ અને સૌનો વિકાસ કરવા માંગે છે.
બીજેપીએ અમારો કચરો સાફ કરી દીધો
છેલ્લા ઘણા ઝઘડિયા તાલુકા પંચાયતના હોદ્દેદારો લોકોની કામગીરી કરતા નથી તેવી ફરિયાદો આવતી હતી.અમને આનંદ છે કે ઇલેક્શન પહેલા જ તેમનો સાચો ચહેરો જણાય ગયો.બીજેપીએ અમારો કચરો સાફ કરી દીધો છે.હવે ચુંટણીના પરિણામમાં તેમને પણ ખબર પડી જશે.> પાર્થ વસાવા, બીટીપી ઉપપ્રમુખ, ઝઘડિયા તાલુકા


