– અરુણાચલમાં ચીને ગામ વસાવ્યાના સમાચારથી અપસેટ થયા
નવી દિલ્હી તા.20 : હૈદરાબાદના સાંસદ અને AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કમજોર વડા પ્રધાન ગણાવતાં કહ્યું કે મોદી તો ચીનનું નામ લેતાંય ડરે છે.અરુણાચલ પ્રદેશમાં ચીને એક ગામ વસાવીને 100 ઘર ખડાં કર્યાં એ સમાચાર પ્રગટ થયા પછી લગભગ દરેક વિપક્ષ કેન્દ્ર સરકાર પર ત્રાટક્યો હતો. હવે એમાં AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ ઝંપલાવ્યું હતું અને વડા પ્રધાનને કમજોર વડા પ્રધાન કહ્યા હતા.
ઓવૈસીએ કહ્યું કે સેટેલાઇટ ઇમેજ દ્વારા આપણને જાણ થઇ કે ચીને અરુણાચલ પ્રદેશમાં કાયમી બાંધકામ કર્યાં છે.મોદી ચીનનું નામ લઇને પડકાર કેમ ફેંકતા નથી.શું મોદી ચીનથી ડરે છે.ભાજપના પોતાનાજ સાંસદે જાહેરમાં કહ્યું છે કે ચીન લાંબા સમયથી અરુણાચલ પ્રદેશમાં બાંધકામ કરી રહ્યું હતું.વડા પ્રધાનના પક્ષના સાંસદ પોતે કહે છે કે ચીને અરુણાચલ પ્રદેશન જમીન પર ગેરકાયદે કબજો જમાવ્યો છે તો મોદી કેમ ચીનનું નામ લેતાં ડરે છે.
ઓવૈસીની પહેલાં મંગળવારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાનને લક્ષ્ય બનાવ્યા હતા અને પૂછ્યું હતું કે હું દેશને ઝુકવા નહીં દઉં એમ તમે કહેલું એનુ શું થયું.કોંગ્રેસના રણદીપ સુરજેવાલાએ પણ સવાલ પૂછ્યો હતો કે મોદીજી તમારી છપ્પનની છાતી ક્યાં ગઇ.જવાબ તો આપો.ચીન આપણા ઘરમાં ઘુસી આવ્યું છે.કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ નાણાં પ્રધાન પી ચિદંબરમે પણ વડા પ્રધાન તથા કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી.
ઓવૈસી બિહાર વિધાનસભામાં પાંચ બેઠકો જીત્યા ત્યારપછી તેમની હિંમત વધી ગઇ હતી.હવે ઓવૈસી ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં પણ પગપેસારો કરવાની તજવીજ કરી રહ્યા હતા.આમ તો ઓવૈસી સતત મોદી સરકારની ટીકા કરતા રહ્યા છે. પરંતુ અરુણાચલ પ્રદેશમાં ચીનની ઘુસણખોરીના સવાલ પછી ઓવૈસીએ આક્રમક મૂડમાં આવીને વડા પ્રધાનની ટીકા કરી હતી.