અમદાવાદ,તા.29 માર્ચ 2022,મંગળવાર : ઓસ્ટ્રેલિયામાં બહારથી શિક્ષણ મેળવવવા આવતા વિદ્યાર્થીઓમાં ભારતીય નાગરિકો 17 ટકા છે અને વર્ષે લગભગ 25,000 વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયા ભણવા જાય છે. દેશના કુલ વિદ્યાર્થીઓમાંથી સૌથી વધુ વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયા ભણવા જતા હોય તેમાં ગુજરાતીઓ ટોચના ક્રમમાં આવે છે શિક્ષણ ક્ષેત્રે બન્ને દેશના સબંધ વધારે મજબૂત થાય એ માટે ઓસ્ટ્રેલિયન સરકારે ભારતમાં 2.8 અબજ ડોલરના રોકાણની જાહેરાત કરી છે
હવે બન્ને દેશ આ અંગે નવી તક ઊભી કરવા માટે આગળ વધી રહ્યા છે.બન્ને દેશની સરકારોએ જોઇન્ટ શિક્ષણ, મિશ્ર ડીગ્રીઓ, ભારતમાં કેમ્પસ સ્થાપના,ઓન લાઈન કોર્સ..વધુ વધુને સ્કીલ ડેવલપમેન્ટ ઉપર ભાર મુકતા વોકેશનલ કોર્સ શરૂ કરવા માટે અભ્યાસ શરૂ કર્યો છે અને તે વર્ષ 2023થી અમલમાં આવશે એમ ઓસ્ટ્રેલિયન સિનિયર ટ્રેડ કમિશનર ડો.મોનિકા કેનેડીએ આજે અમદાવાદમાં જણાવ્યું હતું.
કેનેડીએ ઉમેર્યું હતું કે આજે પણ ઓસ્ટ્રેલિયન સરકાર અને સ્થાનિક યુનિવર્સિટી બહારથી આવતા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપે છે તેને વધુ આગળ ધપાવતા બન્ને દેશોએ મૈત્રી સ્કોલરશીપની જાહેરાત કરી છે.
ગત મહિને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન અને ભારતના વડપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે બન્ને દેશની શિક્ષણ નીતિના તાલમેલ માટે,વધુને વધુ ડિગ્રી માન્ય બને એ માટે એક વર્કિંગ ગ્રુપની સ્થાપના કરવાની જાહેરાત કરી હતી.
સ્ટડી ઓસ્ટ્રેલિયાના અમદાવાદ ખાતેના રોડ શોમાં હાજર કેનેડીએ વધુમાં જણાવ્યું હતું કે જ્યારે ભારત ન્યુ નેશનલ એજ્યુકેશન પોલીસીનો અમલ કરી રહ્યો છે,વિદ્યાર્થી માટે કોઈ એક ડિગ્રી કે સ્ટ્રીમના બદલે મિશ્ર ડીગ્રીનો વિચાર અમલમાં આવ્યો છે ત્યારે ઓસ્ટ્રેલિયા આ દિશામાં અગાઉથી કાર્યરત હોવાથી ભારત માટે ઉત્તમ તક ઊભી થઈ છે.


