મુંબઈ : ઔરંગાબાદના ચેલીપુરા વિસ્તારની એક કરિયાણાની દુકાનમાં સ્થાનિક પોલીસની ક્રાઈમ બ્રાન્ચે છાપો મારી એક કરોડ રૃપિયાની રોકડ જપ્ત કરી હતી.આ રોકડ હવાલા મારફતે આવી હોવાની પોલીસને શંકા છે.પોલીસે ત્યારબાદ દુકાનમાંથી એક ડાયરી પણ જપ્ત કરી હતી જેમાં વિવિધ કરોડો રૃપિયાની નોંધ મળી આવી હતી.આ પ્રકરણે ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ આદરી છે.ઔરંગાબાદની પોલીસે મંગળવારે અહીંના ચેલીપુરા વિસ્તારમાં આવેલ સુરેશ કરિયાણા સ્ટોર્સમાં ગુપ્ત માહિતીને આધારે છાપો માર્યો હતો.આ સમયે પોલીસને અહીંથી ૧.૦૯ કરોડ રૃપિયાની રોકડ રકમ મળી આવી હતી.આ દુકાનમાંથી છેલ્લા ઘણા સમયથી હવાલાના વહેવાર થતા હોવાની માહિતી તપાસમાં બહાર આવી હતી.આ સમયે પોલીસે અમુક ડાયરી પણ જપ્ત કરી હતી જેમાં હવાલાના કરોડો રૃપિયાના લેણ- દેણની નોંધ મળી આવી હતી.તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે દુકાનના માલિક સાવજી કોડવર્ડ મારફતે રોકડ રકમનો વહેવાર કરતો હતો.આ રકમનો હિસાબ આ ડાયરીઓમાં લખી રાખવામાં આવ્યો હતો.દરમ્યાન પોલીસના છાપા બાદ વેપારી સાવજીની તબિયત બગડતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.પોલીસ હવે સાવજીનો વિગતવાર જવાબ નોંધી તે ઈન્કમ ટેક્સ વિભાગને મોકલી આપશે.ત્યારબાદ ઈન્કમ ટેક્સ વિભાગ, નાગપુરની પરવાનગી બાદ જપ્ત કરેલી રોકડ રકમ બેન્કમાં જમા કરવામાં આવશે.