અમદાવાદ : શહેરના બોડકદેવમાં આવેલી એક્સપોર્ટ કંપનીના બેંક એકાઉન્ટ સાથે જોડાયેલા મોબાઇલ ફોનના સીમ કાર્ડને બ્લોક કરીને બેંક એકાઉન્ટમાંથી ત્રણ જ કલાકમાં ં રૂપિયા ૨.૩૯ કરોડ વિવિધ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરીને આબાદ છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ સાયબર સેલમાં નોંધવામાં આવી છે.પ્રાથમિક તપાસમાં પોલીસ આ સમગ્ર કેસમાં નાઇઝીરીયન અને બંગાળી ગેંગની સંડોવણી હોવાનું માની રહી છે.જેમાં તેમણે કંપનીના રજીસ્ટર્ડ ઇ-મેઇલ પર વાયરસ મોકલીને સમગ્ર સીસ્ટમ હેક કરીને ઇન્ટરનેટ બેંકીંગનો પાસવર્ડ મેળવીને સમગ્ર છેતરપિંડી આચરી હતી.જે ્અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.મકરબા અલબુર્જ સોસાયટીમાં રહેતા અલ્કેશ ગાંગાણી પકવાન ચાર રસ્તા બોડકદેવમાં અક્ષત ટાવરમાં નીવા એક્સપોર્ટ એલએલપી નામની કંપની ધરાવે છે.
જેમાં રૂ અને દોરાના એક્સપોર્ટ અને ટ્રેડીંગનું કામ કરે છે.જ્યાંરે કંપનીના તમામ નાણાંકીય વ્યવહાર માટે આનંદનગરમાં આવેલી કાલુપુર કોમર્શીયલ કો.ઓપ.બેંકમાં ખાતુ ધરાવે છે.અલ્કેશ સાથે સર્જીલ ગાગાણી અને હેતલ પટેલ પણ ભાગીદારી ધરાવે છે.અલ્કેશનો મોબાઇલ નંબર બેંક એકાઉન્ટ સાથે જોડાયેલો હતો.ગત રવિવારે સાંજના સમયે અલ્કેશના મોબાઇલનું સીમ કાર્ડની સર્વિસ બંધ થઇ ગઇ હતી.જેથી તેમણે તેમની પત્નીના મોબાઇલ પરથી કસ્ટમર કેરમાં ફોન કરીને તપાસ કરાવતા જાણવા મળ્યું હતું કે કોઇએ અલ્કેશના નામે કોલ કરીને સીમ કાર્ડ બંધ કરાવ્યું હતું.બાદમાં નવું સીમ કાર્ડ ઇસ્યુ કરાવ્યું હતું.
જેથી તાત્કાલિક ચાલુ સીમકાર્ડ બંધ કરાવીને અલ્કેશે રાતના ૧૦ વાગે નવુ સીમ કાર્ડ લઇને લીધું હતું.જો કે બીજા દિવસે સવારે તેમના પાર્ટનરે જાણ કરી હતી કે તેમની કંપનીના બેંક એકાઉન્ટમાં રવિવારે નેટ બેંકિંગથી અનેક નાણાંકીય વ્યવહારો થયા છે.જેથી તપાસ કરતા અલ્કેશ ચોંકી ઉઠયો હતો કારણ કે નેટ બેંકિંગની મદદથી કંપનીના એકાઉન્ટમાંથી વિવિધ બેંકો સાથે કુલ ૨૮ જેટલા વ્યવહારો થયા હતા.જેમાં કુલ રૂપિયા ૨.૩૯ કરોડની રકમ ઉઠાવી લેવામાં આવી હતી.જો કે ૧૦ લાખની રકમ તાત્કાલિક પરત મળી ગઇ હતી.આ અંગે તેમણે તાત્કાલિક સાયબર સેલમાં જાણ કરતા પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.