નવી દિલ્હી,
અગ્રણી શેરબજારો બોમ્બે સ્ટોક એક્સચેન્જ(BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ(NSE)એ નિર્ણય કર્યો છે કે જે કંપનીમાં પ્રમોટરો દ્વારા શેર ગિરવે રાખવાનું પ્રમાણ વધારે હશે તેવી કંપનીઓમાં સર્વેલન્સ એક્શન માટે તમામ પ્રકારના બોજા(ઈન્કમ્બ્રન્સ)ને ધ્યાનમાં લેવામાં આવશે.બન્ને એક્સચેન્જ અને સેબીની 13 એપ્રિલે મળેલી સંયુક્ત મીટિંગમાં આ નિર્ણય લેવાયો હતો.આ બેઠકમાં એવું નક્કી થયું હતું કે કંપનીના સિક્યુરિટી ઈન્કમ્બ્રન્સને કારણે સંભવિત જોખમને આવરી લેવાશે અને તેના આધારે કઈ કંપનીને સર્વેલન્સ હેઠળ મૂકવી તે નક્કી થશે.
ઈન્કમ્બ્રન્સ એટલે કંપની પર એક પ્રકારનો બોજો.આ બોજો પ્લેજ(શેર ગિરવે મૂકવા), લીઅન(દેવું ચૂકવાય નહિ ત્યાં સુધી મિલકત કબજામાં રાખવાનો હક કે ભોગવટાનો લેણદારનો હક),નેગેટિવ લીઅન, નોન-ડિસ્પોઝલ અન્ડરટેકિંગ કે અન્ય કોઈ કરાર,ટ્રાન્ઝેક્શન,શરતો કે એરેન્જમેન્ટ(જેને ભલે ગમે તે નામ અપાયું હોય) સ્વરૂપે હોઈ શકે છે.આવો કોઈપણ પ્રકારનો બોજો હવે સર્વેલન્સ એક્શન માટેનો આધાર બનશે.આ ઉપરાંત ઈન્કમ્બ્રન્સની સૌથી વધારે જે કિંમત હશે તેને ગણતરીમાં લેવાશે.
અગાઉ ગત ઓક્ટોબરમાં બન્ને એક્સચેન્જે જાહેરાત કરી હતી કે તેઓ સ્ટોક્સમાં વોલેટિલિટી ઘટાડવા માટે 1 નવેમ્બરથી જે કંપનીમાં પ્રમોટરો દ્વારા શેર પ્લેજ કરવાનું પ્રમાણ વધારે હોય તેના પર વધારાનું સર્વેલન્સ મૂકશે.મતલબ કે આવા સ્ટોક્સમાં ટ્રેડિંગ પર નિયંત્રણો આવશે.જે કંપનીમાં પ્રમોટરોએ 25 ટકાથી વધુ શેર પ્લેજ કર્યા હોય અને માર્કેટ કેપ ~1000 કરોડથી વધારે હોય તેમાં ટ્રેડિંગ પર ઓચામાં ઓછું 35 ટકા માર્જિન લાગુ પડશે.