ભૂજ: કહેવાતી શિસ્તબદ્ધ પાર્ટી ભાજપનાં એક યુવા નેતાને માર પડ્યો હોવાની એક ઘટના બહાર આવી છે.સપ્તાહ પહેલાની આ ઘટનામાં કચ્છ ભાજપના એક નેતાને એક યુવતીના પરિવારે ફટકાર્યો હતો.ભુજની ભાગોળે રંગે હાથ ઝડપાઇ ગયેલા આ રંગીન સ્વભાવનાં આ સ્થાનિક નેતાએ બીજે ક્યાંય નહીં પરંતુ જેમની સાથે પરિવાર જેવો નાતો હતો તેવા ભાજપના જ એક પૂર્વ ધારાસભ્ય (MLA) ની ભત્રીજીના સાથે સંબંધ હતો.
આ વાતની ખબર પડતાં જ પૂર્વ ધારાસભ્યના (MLA) પુત્રો તેમજ તેના કાકાના પરિવારજનોએ ભૂતકાળમાં પણ વિવાદાસ્પદ રહેલા આ નેતાને ફટકાર્યો હતો.વર્ષોથી ભાજપમાં રહેલા પૂર્વ ધારાસભ્યના પરિવારે આ અંગે ભાજપનાં મોવડી મંડળને પણ જાણ કરેલી છે.પરંતુ ગુજરાત સરકારમાં તેની જ્ઞાતિનાં જ એક મંત્રીનો ખાસ હોવાને કારણે તેની સામે પગલાં લેવામાં વિલંબ થઈ રહ્યો હોવાનું સૂત્રો દાવો કરી રહ્યા છે.
ભૂતકાળમાં ભુજના લોરીયા નજીક દારૂ પ્રકરણમાં મેથીપાક ખાઈ ચૂકેલા કચ્છ ભાજપનાં આ નેતાને ભાજપના પૂર્વ ધારાસભ્ય અને દિકરાઓ સાથે ભાઈબંધી હતી.જેને કારણે બંને પરિવાર વચ્ચે ઘર જેવા સંબંધો પાંગર્યા હતા.સંબંધોની આડમાં મોજીલા આ નેતાએ પોતાના જ મિત્રની કઝીન ઉપર નજર બગાડી હતી અને તેને પ્રેમજાળમાં ફસાવી હતી.શરૂઆતમાં તો ફેમિલી રિલેશનને કારણે બહુ શંકા ન ગઈ હતી પરંતુ અવાર નવાર કચ્છ ભાજપના આ નેતાની કાર તેમજ ધારાસભ્યની ભત્રીજીનું વાહન એક જગ્યાએ જોવા મળતા પૂર્વ MLAના પરિવારને શંકા ગઈ હતી અને તેમની ઉપર વૉચ રાખવામાં આવી હતી.