અમદાવાદ : નિકોલ વોર્ડમાં કઠવાડા જીઆઇડીસીના ખુલ્લા મેદાનમાં ઠાલવવામાં આવતી કોલસી સતત સળગતી રહેતી હોવાથી વાયુ પ્રદુષણની સમસ્યા સર્જાઇ છે.હુડકો,સિંગરવા,ભગવતીનગર સહિતના આજુબાજુના વિસ્તારોમાં સતત ધુમાડા ઉડતા રહેતા લોકોના આરોગ્ય સામે જોખમ ઉભું થયું છે.કઠવાડા જીઆઇડીસીમાં આવેલા ઔદ્યોગિક એકમોમાંથી નીકળતી ભઠ્ઠીની કોલસીઓ અમદાવાદ-ઇન્દોર નેશનલ હાઇવેને અડીને આવેલા પશુપતિનાથ મંદિરની સામેના ખુલ્લા પ્લોટમાં ઠાલવવામાં આવે છે.આ કોલસી સતત ઠલવાતી રહેતી હોવાથી તેની રજકણો ઉડીને આજુબાજુના રહેણાંક વિસ્તારોમાં પડે છે.સવારે ઘરના ધાબા પર,વાહનો પર,આંગણામાં કોલસીની કાળી રજકણો ઉડીને પડી હોય છે.આ અંગે સ્થાનિક અગ્રણી સુરેશભાઇ ટાંકના જણાવ્યા મુજબ આ કોલસીના કારણે અસ્થમા અને શ્વસનતંત્રને લગતી વિવિધ બીમારીઓથી પીડાતા લોકોના આરોગ્ય સામે જોખમ વધ્યું છે.
બાળકોના શ્વાસમાં કોલસી જઇ રહી છે.આ મેદાનમાં કોલસી વારંવાર સળગી ઉઠે છે.જેના કારણે સતત ધુમાડા નીકળતા હોવાથી લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે.નેશનલ હાઇવે પર ધુમાડાળા ગોટેગોટા છવાઇ જતા વાહનચાલકો પણ જોઇ શકતા ન હોવાથી અકસ્માત થવાની સંભાવના રહે છે.હુડકોમાં ચાર હજારથી વધુ મકાનો છે,ભગવતી નગરમાં પાંચેક હજારથી વધુ મકાનો છે ઉપરાંત ભાગ્યોદય,ગજાનંદ, ખોડલધામ,પ્રેરણા-રામેશ્વર,કેશવબાગ સહિતની સોસાયટીના રહીશો પણ પ્રદુષણની આ સમસ્યાથી ત્રસ્ત છે.કોલસીને રહેણાંક વિસ્તારથી દુર ઠાલવવામાં આવે તેમજ સળગતી બંધ કરવામાં આવે તેવી માંગણી સ્થાનિક રહીશો કરી રહ્યા છે.