બારડોલી : લોકડાઉન 4.0માં સરકાર દ્વારા શરતી છૂટછાટ આપ્યા બાદ ધીમે ધીમે જનજીવન પટરી પર આવી રહ્યું છે.સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કડોદરા,જોળવા અને તાતીથૈયાના ઔદ્યોગિક વિસ્તારોમાં ધીમે ધીમે ડાઈંગ પ્રિન્ટીંગ મિલો શરૂ થઈ ગઈ છે.હાલમાં આ વિસ્તારમાં 25 જેટલી મિલોએ 12 કલાક માટે કામકાજ શરૂ કર્યું હોવાનું જાણવા મળે છે.જેને કારણે મજૂરોને પણ કામ મળી રહેતા મહદઅંશે રાહતનો અનુભવ કરી રહ્યા છે.
છેલ્લા 65 દિવસથી વધુ સમયથી કોરોનાને કારણે લાગુ થયેલા લોકડાઉનમાં કડોદરા વિસ્તારની તમામ મિલો બંધ થઈ જતાં લાખો મજૂરો,કર્મચારી બેરોજગાર બની રહ્યા હતા.લોકોને મુશ્કેલી ન પડે તે માટે અનેક સંસ્થાઓ અને મિલો દ્વારા થોડા સમય માટે કીટ વિતરણ અને ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.પરંતુ જેમ જેમ સમય લંબાતો ગયો તેમ તેમ ઘરમાં પુરાય રહેલા મજૂરોની ધીરજ ખૂંટતી ગઈ અને લોકોએ વતન જવાની જીદ પકડી. લાખોની સંખ્યામાં મજૂરો પોત પોતાના વતન જવા પગપાળા અથવા તો જે વાહન મળે તે વાહનમાં જવા માટે નીકળી પડ્યા હતા.બાદમાં શ્રમિક ટ્રેન શરૂ થતાં તેમાં પણ હજારો મજદૂરોએ પલાયન કરી વતન જતાં રહ્યા હતા.આ બધા વચ્ચે ગત 18મી મેથી સમગ્ર રાજ્યમાં શરતી છૂટછાટ આપવામાં આવતા અનેક દુકાનો અને ઔદ્યોગિક એકમો પણ શરૂ કરવામાં આવી રહ્યા છે.
સુરત જિલ્લામાં મજૂરો જતાં રહ્યા બાદ પણ હવે ધીમે ધીમે કારખાના અને મિલો ચાલુ થઈ રહી છે.હાલ માત્ર એક પાળીમાં જ મિલો ચાલી રહી છે. કડોદરા વિસ્તારમાં જય ભારત,બિંદલ,તાતીથૈયા અને જોળવા વિસ્તારોમાં શાકંભરી, સુમંગલ,પંકજ,સુનિતા,મુરલીધર,સેલજા,રઘુકુલ,કદમાવાળા, દુર્ગા પોલિસ્ટર,દાદુ,એમ.જી.,પંચવટી, કેજરીવાલ, ડોનિયર અને ક્યુબાટેક્સ જેવી મિલોએ પોતાની કામગીરી શરૂ કરી છે.મિલોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનિટાઇઝિંગ અને સરકારી નિયમોનું પાલન કરી સવારે 7 થી સાંજે 7 વાગ્યા સુધી એક પાળીમાં કામગીરી ચાલી રહી છે.કેટલીક મિલો દ્વારા કામદારોને એક ટાઈમ ચા નાસ્તો અને જમવાની પણ સગવડ કરવામાં આવી રહી છે.ધીમે ધીમે શરૂ થયેલી મિલોને કારણે બે મહિનાથી બેકાર મજૂરો અને કર્મચારીઓએ પણ રાહત અનુભવી રહ્યા છે.


