– ગંદકી અને ગટરના મુદ્દે અનેક વખત રજૂઆત છતાં કોઈ ઉકેલ ન આવતા નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ અને કોર્પોરેટર વિરુદ્ધ મહિલાઓએ નારા લગાવ્યા
કડોદરા : કડોદરા ખાતે ગંદકી અને ગટરની સમસ્યાને લઈને કડોદરાની મહિલાઓએ નગરપાલિકાનો ઘેરાવ કરીને રામધૂન અને નગર પાલિકાના શાસકો વિરુદ્ધ નારા લગાવ્યા હતા.ભાજપના નેતાઓ જાહેર સભાઓમાં પોતાના કાર્યકર્તાઓને અને પોતે સ્વચ્છતા બાબતે પ્રતિજ્ઞા લઈ રહ્યા છે અને વધુમાં સુરત શહેરનો જ્યારે ક્લીનસીટી તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે તો બીજી તરફ ભાજપનો જ ગઢ ગણાતું એવું કડોદરા જ્યાં ગંદકી અને ગટરની સમસ્યા મુદ્દે કડોદરની જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે કડોદરા ખાતે આવેલ હરિહંત પાર્ક સોસાયટીની મહિલાઓ આજરોજ ગટર અને ગંદકીની સમસ્યાને લઈને કડોદરા નગરપાલિકામાં પહોંચીને ઘેરાવ કર્યો હતો. 30 જેટલી મહિલાઓએ નગરપાલિકાનો ઘેરાવ કરીને રામધૂન બોલાવી હતી અને નગરપાલિકાના શાસકો વિરુદ્ધ નારાઓ પણ લગાવ્યા હતા.સાથોસાથ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ અને કોર્પોરેટર વિરુદ્ધ પણ નારા લગાવ્યા હતા.તો બીજી તરફ સમસ્યાઓથી ત્રાહિમામ પોકારી ઉઠેલી મહિલાઓએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાય મહિનાઓથી આ ગંદકીમાં તેઓ રહે છે તેમજ કેટલીય વાર રજુઆત કરવા છતાં તંત્ર સાંભળતું નથી.ત્યારે ત્રાહિત થયેલી મહિલાઓ અને સ્થાનિકોએ નગર પાલિકાના કોર્પોરેટર વિરુદ્ધ બેનરો પણ
લગાવ્યા હતા તેમ છતાં કોઈ સાંભળતું નહિ હોવાથી આખરે મહિલાઓએ નગરપાલિકાનો ઘેરાવ કરવાની ફરજ પડી હતી.
નગરપાલિકાના સત્તાધીશો કોઈ કાળે જનતાનું સાંભળતા નથી
તો બીજી તરફ હરિહંત પાર્ક સોસાયટીમાં ગટરની સમસ્યાને લીધે ગંદકી એટલી હદે ફેલાય છે કે આજુબાજુમાં રહેતા રહીશો આખો દિવસ ત્રાહિમામ પોકારી ઉઠે છે તેમ છતાં નગરપાલિકાના સત્તાધીશો કોઈ કાળે જનતાનું સાંભળતા નહિ હોવાની રાવ ઉઠી હતી.આખરે સમસ્યાનું નાક સુધી પાણી આવી જતા મહિલાઓએ નગરપાલિકાનો ઘેરાવ કરી સુત્રોચાર કર્યા હતા.જેને પગલે નગરપાલિકાના શાસકો દ્વારા હાલ મહિલાઓને આશ્વશન આપવામાં આવ્યું છે પરંતુ મહિલાઓ દ્વારા જણાવામાં આવ્યું હતું કે જો સમસ્યાનું નિરાકરણ નહિ આવે તો આગામી દિવસોમાં વધુ મહિલાઓ એકઠી થઈને પાલિકાનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.