કડોદરા : સુરત જિલ્લાની કડોદરા નગરપાલિકાના બિલ્ડીંગ બાંધકામ દરમ્યાન ગત ટર્મના શાસકો દ્વારા બિલ્ડીંગના બાંધકામમાં અંદાજપત્ર કરતાં 10 ટકા વધુ ખર્ચો કર્યો હતો જે અંગે યોગ્ય મંજૂરી ન લેતા આ બાબતે થયેલી ફરિયાદને અનુલક્ષીને હાલમાં પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાઓની કચેરી તરફથી તત્કાલિન નગરસેવકોને આ મુદ્દે કારણદર્શક નોટિસ ફટકારતાં નગરનું રાજકારણ ગરમાયું છે.
આ અંગે મળતી માહિતી અનુસાર ગત ટર્મ દરમ્યાન કડોદરા નગરપાલિકાના તત્કાલિન પ્રમુખ અંકુર દેસાઇ તેમજ તેમના સાથી સભ્યો નાઓએ નગરપાલિકામાં અંદાજિત 2.50 કરોડના ખર્ચે નવા બિલ્ડીંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું પાલિકા દ્વારા આ બિલ્ડીંગના નિર્માણમાં અંદાજે 10 ટકા કરતાં વધુ ખર્ચો થયો હતો તો રિવાઇઝ પ્લાન્ટ અંદાજ પત્ર બનાવીને વહીવટી મંજૂરી મેળવીને ખર્ચ કરવા જોઈએ પરંતુ જે અંગે કોઈ રિવાઇઝ વહીવટી મંજૂરી મેળવ્યા વગર અંદાજિત 64.9 લાખનો વધારે ખર્ચ થયો હતો.જે અંગે કોઈ નિયમોની જોગવાઈ પ્રમાણે પ્રક્રિયા કરવા વગર તત્કાલિન પ્રમુખે આ રુપિયાનું ચૂકવણું કર્યું હતું જે અંગે નગરપાલિકામાં 64.9 લાખનું નુકશાન થયું હોય જે અંગે એક જાગૃત નાગરિકે પ્રદેશિક કમિશ્નર નગરપાલિકાની કચેરી ખાતે લેખિત ફરિયાદ કરી હતી.જેને અનુલક્ષીને કચેરી તરફથી તત્કાલિન પ્રમુખ તથા સભ્યોને આ મુદ્દે કારણદર્શક નોટિસ આપી 8 ઓગષ્ટના રોજ અધિકૃત વ્યક્તિને દસ્તાવેજી પુરાવા સાથે હાજર રહેવા જણાવવામાં આવ્યું છે.ત્યારબાદ જો યોગ્ય પુરાવા રજૂ કરવામાં ન આવશે તો ગુણ દોષના આધારે કેસનો નિર્ણય કરી દેવામાં આવશે.