સુરત : સુરતના કતારગામ માધવાનંદ સર્કલ પાસે રત્નકલાકાર યુવાન ઉપર નજીકમાં રહેતા યુવાને સગાઈના ઇન્કાર બાદ પણ બહેનને મેસેજ કરે છે તેવા વહેમમાં જીવલેણ હુમલો કર્યો હતો.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ બનાસકાંઠાના વાવના ભાટવર ગામના વતની અને સુરતના કતારગામ હરિઓમ સોસાયટી શિવદર્શન સોસાયટી ફ્લેટ નં.204 માં રહેતા 51 વર્ષીય હીરાદલાલ પીરાભાઈ શંકરભાઈ પ્રજાપતિનો પુત્ર પાર્થ ઉર્ફે કાળીયો(ઉ.વ.21)રત્નકલાકાર તરીકે કામ કરે છે.પાર્થને બનાસકાંઠાના થરાદના જામપુરના વતની હરચંદભાઈ પ્રજાપતિની પુત્રી સીમા(નામ બદલ્યું છે)પસંદ હોય ત્રણ મહિના અગાઉ પીરાભાઈએ સામાજીક રીતે પાર્થ અને સીમાની સગાઈની વાત હરચંદભાઈને કરી હતી.પણ તેમણે સગાઈનો ઈન્કાર કરી દીધો હતો.જોકે,ત્યાર બાદ પાર્થ સીમાને મેસેજ કરી વાત કરે છે તેવી શંકા સીમાના ભાઈ જીતુને હતી.આથી જીતુ પાર્થને સબક શીખવવા છેલ્લા કેટલાક દિવસથી ચપ્પુ લઈ ફરતો હતો અને તેને શોધતો હતો.
દરમિયાન,ગતરાત્રે 9.30 વાગ્યાના અરસામાં પાર્થ કતારગામ માધવાનંદ સર્કલ શક્તિનગર સોસાયટી શ્રી નાથજી હોમ ડેકોર નામની દુકાન સામેથી પસાર થતો હતો ત્યારે જીતુએ તેને આંતરી ચપ્પુ વડે હુમલો કરી પાર્થને છાતીના ભાગે,ડાબા પડખે બગલથી નીચે,કમરથી ઉપરના ભાગે ડાબી બાજુએ પાંચ ઘા મારતા ગંભીર ઈજા થઈ હતી.પાર્થને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાતા તેની હાલત ગંભીર હોય આઈસીયુમાં દાખલ કર્યો હતો.બનાવની જાણ થતા દોડી ગયેલી કતારગામ પોલીસે પીરાભાઈની ફરિયાદના આધારે જીતુ વિરુદ્ધ હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.વધુ તપાસ પીઆઈ બી.ડી.ગોહીલ કરી રહ્યા છે.